પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાંપરાજ વાળો
૬૭
 

“કાં ? સરકાર રોટલા પૂરે છે ઈ શેના ?”

“એ ભાઇ ! ચાંપરાજ વાળો બારવટે નીકળ્યો છે એટલે જ સરકાર આટલી મોટી ફોજને રોટલા આપે છે. કાલ્ય જો ચાંપરાજ વાળો સોંપાઈ જાય, તો આ તમામ બચરવાળ માણસોને નોકરીમાંથી રજા મળે. માટે સારા પ્રતાપ ચાંપરાજ વાળાના બારવટાના !”

એકલ આદમીએ આ જવાબ સાંભળીને મ્હોં મલકાવ્યું. ખડીયામાંથી ડાબલો કાઢ્યો. ડાબલામાં સોના મહોરો ભરી હતી. ગીસ્તના અગ્રેસરના ખેાળામાં ડાબલો મૂકી દીધો.

“આ શું ? જમાદાર ચમક્યો.

“આ તમારી જીભ ગળી કરવા માટે.”

“કાં ?”

“તમે દુવા દીધી માટે.”

“કોણ ચાંપરાજ વાળો તો નહિ ?”

“હા, એ પોતે જ. લ્યો હવે રામરામ છે.”

એટલું કહી ચાંપરાજે છલાંગ દીધી. પલકમાં ઘોડી ઉપર પહોંચ્યો. માણસો જોતા રહ્યા, અને ચાંપરાજે સામી ભેખડ પર ઘોડી ઠેકાવી.

વે ?” ચાંપરાજ વાળાએ મકરાણી જમાદારને કહ્યું “હવે શું કરવું ? માથે ગોરાનું ખુન ગડગડે છે. ધરતી આપણને ક્યાંય સંઘરતી નથી.”

“તો બાપુ, હાલો મારા મલકમાં – મકરાણમાં.”

“ત્યાં શું કરશું ?”

“ત્યાં તું મારો ઠાકર ને હું તારો ચાકર.”

“પણ ત્યાં જઈને મારૂં નામ શું રાખવું ?”

“નામ તો સુલેમાન અસમાન !”