પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
સોરઠી બહારવટીયા : ૨
 

વાઘેરોના સાથમાં આજ વેપારી રામજીભા ઘૂમી રહ્યો છે. રામજી શેઠ દ્વારકાનું ભૂષણ બન્યો છે.

જોધો માણેકના એ દિલોજાન ભાઈબંધ પર જામપરામાંથી બાપુ સખારામનો સંદેશો આવ્યો કે “અમે ઘેરાઈ ગયા છીએ, ભૂખે મરીએ છીએ. કાંઈક અનાજ મોકલો. ”

રામજીભાએ જોધાને જાણ કરી. દાના દુશ્મન જોધાએ છાનામાના કહી દીધું કે “રામજીભા ! કોઈ ન જાણે તેમ ખોરાકી મોકલી આપો, પણ જો વાઘેરોને વાત પહોંચશે તો મારો ઈલાજ નથી. વન વનની લકડી આજ ભેળી થઈ છે.”

કિલ્લા બહાર રામજી શેઠની બે વખારો હતી, તેમાંથી ખોરાક મોકલાવા લાગ્યો. પણ વાઘેરોને ખબર પડી ગઈ કે દુશ્મનોને ખોરાક જાય છે. ગાંડા વાઘેરો રામજીની વખારો તોડી તોડીને માલ ફગાવવા લાગ્યા.

ત્યાં રામજી શેઠનો દીકરો લધુભા દોડતો આવ્યો. એની કૂહાડી જેવી જીભ ચાલી : “એ મછીયારાવ ! આંકે રાજ ખપે ? જ જો ખાવતા તીંજો ખોદોતા ? (એ માછીમારો ! તમને તે રાજ હોય ? જેનું ખાઓ છો એનું જ ખોદો છો ? ) "

“લધુભા ! તું ભલો થઈને જબાન સંભાળ ! અટાણે દીકરાનાં લગન નથી, પણ લડાઈ છે.”

એ રીતે વાઘેરોએ એને ઘણો વાર્યો, પણ લધુભા ન રહી શક્યો. ગાળોની ઝડી વરસાવવા લાગ્યો. ઝનૂને ચડેલા વાઘેરો : અને સામે એવો જ કોપેલો વાણીઓ : બીજું તો કાંઈ ન થઈ શકે, એટલે લધુભાને બાંધી, એના પગમાં બેડી પહેરાવી, મંદિરના કિલ્લામાં, શત્રુઓનાં મૂડદાંની સાથે એને પૂરી દીધો.

કિલ્લાનો બંદોબસ્ત કરીને જોધો જમવા આવ્યો : રામજીભાને ઘેરે જ એ રોજ રોટલા ખાતો. આજ ન્હાઈને પાટલે બેસે છે ત્યાં એને યાદ આવ્યું : “રામજીભા ! લધુભા કેમ ન મળે !"