પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક : મૂળુ માણેક
૧૨૧
 


બેટમાં બંદોબસ્ત કરીને જોધો દ્વારકા પાછો વળ્યો. જઈને જોવે તો દ્વારકામાં પણ દેકારો બોલે છે બંદૂક તાકીને વાઘેરો વેપારીઓ પાસેથી મ્હોંમાગ્યા દંડ ચૂકાવે છે. છકેલા વાઘેરો સ્ત્રીઓને અને છોકરાંને પોતાનાં ઘોડાંની હડફેટે ચડાવે છે પોતાને રહેવા માટે હરકોઈના ધર ખાલી કરાવે છે. જોધાએ સંતાઈને નજરોનજર એક દુકાન ઉપરનો બનાવ જોયો. આંખમાં સુરમો આંજીને ઓળેલી દાઢી મૂછ વાળો એક વાઘેર સાત હથીઆર સોતો એક વેપારીની દુકાને બેઠો છે. ઉઘાડો જમૈયો એના હાથમાં ચકચકે છે, સામે શેઠીયો થર ! થર ! ધ્રુજે છે, અને વાઘેર ડોળા ફાડીને કહે છે કે “મારા લેણાનું ખત ફાડી નાખ, નીકર હમણાં છાતીમાં આ હુલાવું છું.” એ વખતે જોધાનું ગળું રણક્યુ :

“તે પહેલાં તો બેલી ! તારી છાતીનું દળ આ જમૈયો નહિ માપી લ્યે ? રંગ છે વાઘેરાણીની કૂખને ! ”

એકેએક વાઘેર જેની શેહમાં દબાતો, તે જોધાજીને જોઈ જમૈયાવાળો આદમી ખસીઆણો પડી ગયો. ગામનું મહાજન ટપોટપ દુકાનો પરથી ઉતરીને જોધાને પગે લાગ્યું, અને સહુએ પોકાર કર્યો કે “જોધા બાપુ ! આટલું તો તમે દીઠું, પણ અદીઠું અમારે માથે શું શું થઈ રહ્યું છે તે જાણો છો ? કહો તો અમે ઉચાળા ભરીએ. કહો તો માલ મિલ્કત મેલીને હાથે પગે ઓખાના સીમાડા છાંડી જઈએ, પણ આવડો માર તો હવે નથી સહેવાતો. '

જોધાએ મહાજન ભેળું કર્યું. એક પડખે મહાજન બેઠું છે, બીજે પડખે વાઘેરો બેઠા છે, વચ્ચે જોધો પોતે બેઠો છે, મુળુ અને દેવો, બેય ભત્રીજા પણ હાજર છે, જોધાએ વાત શરૂ કરી :

“ભાઈ દેવા ! બેટા મુરૂ !”

“બોલો કાકા !”