પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
સોરઠી બહારવટીયા : ૨
 

છે. ગુન્હેગાર તો કાકો હતો. તમે તો છોકરૂં છો. તમારો કાંઈ ગુન્હો જ નથી.”

મુળુનું દિલ માની ગયું. રબારી તો ભગવાનના ઘરનું માણસ : પેટમાં પાપ ન્હોય ; ને ગોરા ગમે તેવા તો યે બોલ કોલ પાળનારા; એમ સમજી મૂળુએ અંગ્રેજને શરણે જવાનો મારગ લીધો. માણસોને કહી દીધું કે “ભા ! હવે વીખરાઈ જાવ. બારવટાનો સવાદ હવે નથી રહ્યો. બોન દેવુબાઈને પણ અમરાપર લઈ જાવ. હું સીધો સાહેબ પાસે જાઉ છું.”

“ભા, બોન કહે છે એક વાર ચાર આંખો ભેળી કરતા જાવ.”

“ના નહિ આવું. બોનની આંખેાના અંગારા મને વળી પાછો ઉશ્કેરી મૂકશે.”

“ભા ! બોને કહેવરાવ્યું છે કે ઓખાનો ધણી ગોરા નોકરને પગે હથીઆર ધરશે ત્યારે જોયા જેવો રૂડો લાગશે હો !”

૨૦

મરેલી શહેરમાં તે દિવસ કાંઈ માણસ હલક્યું છે ને ! ચાર ગોરા સાહેબોની અદાલત બેઠી છે. અને બહારવટીયા ઉપર મુકર્દમો ચાલે છે. જુબાનીઓ ને સાક્ષીઓના ઢગલા થઈ પડ્યા છે, પીંજરામાં બીજા બધા વાઘેરો ઉભા છે. ફકત મુળુ માણેક જ નથી.

“મુલુકો ક્યું નહિ સમજાયા !” એમ ચારે ગોરાઓ પૂછે છે.

અમલદારોએ જવાબ દીધો, “ સાહેબ, મુળુ માણેક વચન આપીને બદલી ગયો."

એવે ઓચીંતો ત્રીસ વર્ષનો વાંકડી મૂછવાળો મુળુ દેખાયો. આંખે અંગે હથીઆર ઠાંસેલાં : ગમગીન છતાં પ્રતાપી ચ્હેરો :