પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસોજી વેજોજી
૨૧૫
 


ફર બગતર નર ફાડ્ય, પાખર અસ વીંધી પૃથી,
નડીયું સેંસ લલાટ કૂંટ તાહળું ક્વટાઉત !

[એ ક્વાટજીના કુંવર ! તારાં ભાલા કેવા જોરથી ભોંકાયાં ! યવન યોદ્ધાઓના મસ્તક પર ઝીંકાતાં એ ભાલાંએ માથાના ટો૫ વીંધ્યા, બખ્તર વીંધ્યાં, પુરૂષ વીંધ્યો, ઘોડાનું પલાણ વીંધ્યું, ને જાણે કે ધરતી વીંધીને એ ભાલો શેષનાગના લલાટ પર અડક્યો.

મારી દળ મામદ તણા, ખુટવીયા ખાગે
જેસા લોબાન જે કીધો મોંઘો ક્વટાઉત !

[ઓ જેસાજી ! તેં મામદશાહના સૈન્યમાંથી એટલા બધા મુસલમાનોને મારી નાખ્યા છે કે એ બધાની કબર પર રોજ ધૂપ કરવાના લોબાનની માગ વધી પડવાથી લોબાન મોંઘોં થઈ ગયો છે. ]

*

"વણારશી શેઠ ! થોડીક વાર આ ડગલો પેરી લ્યો. આજ તમે અમારા મેમાન છો. તમને ટાઢ્યું નો વાય, માટે આ ડગલો પેરી લ્યો.”

જંગલમા બાન પકડાયેલા, જુનાગઢવાળા વણારશી શેઠે કડકડતી ટાઢમાં બહારવટીયાનો ડગલો પહેર્યો. થોડીવાર થઈ ત્યાં શેઠનું સુવાળું શરીર સળવળવા લાગ્યું. ગુલાબી ચામડી ઉપર ચાઠાં ઉઠ્યાં. શેઠ ડગલો કાઢવા લાગ્યા, પણ તૂર્ત જ બહારવટીયાએ એને અટકાવ્યો:

“ના શેઠ, ડગલો એમ ન કઢાય. એ તો હવે જ્યારે તમારી ચિઠ્ઠી જુનેગઢ શેઠાણી પાસેથી સીકરાઈને આવશે ને, ત્યારે જ ડગલો તમારા ડીલ માથેથી ઉતરશે.”

“ભાઈ સાહેબ ! પણ આમાં મારૂં શરીર વીંધાઈ જાય છે. રૂંવે રૂંવે આગ હાલી છે."