પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦
સોરઠી બહારવટીયા:૨
 

બેય બહારવટીયા ઘોડેસવાર બનીને ગીરમાં ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે ને અંધારા ઘેરાય છે. એ વિકરાળ ઝાડીમાં કોઈ માનવી કે કાળો કાગડો દેખાતાં નથી. જુવાનો ભૂખથી ને મુસાફરીથી થાકી લોથપોથ થઈ ગયા છે.

ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માદણામાં (કાદવના ખાડામાં) બેઠેલી એક ભેંસ ઉભી થઈ, અને ચાલવા લાગી.

જુવાનો જોઈ રહ્યા કે આંહી ભેસ ક્યાંથી ?

વેજો બોલ્યો કે “ભાઈ, આજ તો આ ભેંસને દૂધે જ વાળું કરવું છે."

“બહુ સારૂં !”

અંધારે અંધારે ભેંસનું પૂછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા. થોડીક વારે ઉજ્જડ વગડામાં રૂપાળો દરબારગઢ દેખાણો ને ભેંસ એ ગઢની ડેલીમાં પાધરી ચાલી ગઈ.

અસવારોએ પણ ડેલીમાં જઈ ઘોડાંનાં પેઘડાં છાંડ્યાં. ઉતરીને ચોપાટમાં બેઠા. મઢ મોટો, પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સંભળાતી નથી. કોઈ દરવાન પણ હાજર નથી.

ઘડીક થયું ત્યાં તો એક સફેદ વસ્ત્રોવાળો ખૂબસુરત જુવાન આવીને ઉભો રહ્યો. મુંગો મુંગો બથ ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો. જઈને ઘોડારમાં બેય ઘોડાં બાંધી આવ્યો.