પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસોજી વેજોજી
૨૨૧
 


વાળુની વેળા થઈ, જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને બેય પરોણાને જમવા બેસાર્યા. રૂપ જેનાં સમાતાં નથી એવી એક સ્ત્રીએ આવીને શાક રોટલા ને દૂધ પિરસ્યાં. રાતે ઓશરીમાં મહેમાનો માટે ઢોલીઆ ઢળાણા. કોઈ કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વિના સહુ સૂવા ગયા.

મુસાફરો તો અજાયબીમાં પડ્યા છે : આંહી અંતરીયાળ આ દરબારગઢ કોણે બંધાવ્યો ? આવડા મોટા ગઢમાં આ બે જ સ્ત્રીપુરૂષ શી રીતે રહેતાં હશે ? બોલતાં ચાલતાં કેમ નથી ? આવા રૂપાળાં બે મોઢાં ઉપર દુ:ખની પીળાશ શા માટે ?

ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરૂષ કણકતો હોય એવું સંભળાણું. કોઈ ભારી કારમી વેદના થાતી હોય એવી રીતે કણકી રહ્યો છે. આખી રાત કણક્યા જ કરે છે. જંપ લેતો જ નથી.

મુસાફરો ચોંકીને સાંભળતા જ રહ્યા, બેમાંથી એકેયને ઉંઘ આવી જ નહિ. વિચારમાં પડી ગયા. ભળકડા ટાણે ઓરડામાં કણકારા બંધ પડ્યા તે વખતે મુસાફરોની આંખો પણ મળી ગઈ.

સવારે તડકા સારી પેઠે ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઉઘડી, અને નજર કરે તો ન મળે દરબારગઢ ! કે ન મળે ઢોલીઆ ! બેય જણા ધરતી ઉપર પડેલા, ને બેય ઘેાડાં બોરડીનાં ઝાળાં સાથે બાંધેલાં : માથે વડલો છે, ને પડખે ઉંચી ભેખડો વચ્ચે ધોળે દિવસે યે બ્‍હીવરાવે તેવા અવાજ કરતી ધાંતરવડી નદી ચાલી જાય છે.

તાજ્જુબ થઈને બેય બહારવટીયા ચાલી તો નીકળ્યા છે. એનાં કલેજા પણ થડક થડક થાય છે; પણ સાંજ પડી ત્યાં બેમાંથી વેજો બોલ્યો:

“ભાઈ ! એ ગમે તે હોય, પણ આપણે એનો રોટલો ખાધો; ને હવે શું એનું દુ:ખ : મટાડ્યા વિના ભાગી જશું ?”

“સાચું ! ન જવાય. આજ પહેાંચીને પતો મેળવીએ.”