પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬
સોરઠી બહારવટીયા:૨
 


જેસોજી પણ મામદશા પાદશાહના મુખમાં કાંકરા જેવો થઈ પડ્યો. એના ગરાસનો કોળીઓ પાદશાહના મ્હોંમાંથી પાછો નીકળ્યા વિના ઈલાજ નથી.

*

વતી કાલે સવારે પાદશાહની કચારીમાં બહારવટીયાનું બહારવટુ પાર પાડવાનો અવસર છે.

આજ પહેલા પોરની રાતે બેય ભાઈઓ વેશ-પલટો કરીને પગપાળા નગરની વાતો સાંભળતા નીકળ્યા છે. ગઢની અંદરની રાંગે રાંગે ચાલ્યા જાય છે. માણસોનો પગરવ ત્યાં થોડો જ છે. એમાં એકાએક વેજોજી બોલી ઉઠ્યો :

“જોયું મોટા ભાઈ ! શે'રનાં માણસને શરમ ન મળે ! ”

“હોય ભાઈ ! બાઈયું તો બચારી અટાણે જ કળશીએ જવા નીકળી શકે. અને અબળાની જાત ! આ રોગું અહરાણું ગાજે એમાં કેટલેક આઘે જાય !”

“પણ પુરૂષ ભાળીને ઉભીયું યે ન થાય ?”

“ચુપ ચુપ ! સાંભળ ! આપણી વાતો થાય છે.”

બન્ને જણાએ અંધારે ખુણે પીઠ દઈ ઉભા રહીને કાન માંડ્યા. હંસલા મોતી વીણે એમ વેણે વેણ વીણી લીધું.

ગઢની રાંગે, દિશાએ બેઠેલી વાણીઆણીઓ અરસપરસ આવી વાતો કરતી હતી:

“હાશ ! દાદાને પરતાપે કાલ્ય બારવટીયાનું પાર પડી જાશે!”

“હા બાઈ ! ડાકોરને દેવે પાદશાહને સારી મત્ય સૂઝાડી. બાર વરસથી રોજ સાંજે દિ' છતાં દુકાનો વાસવી પડતી !”

“પણ પીટ્યો પાદશાહ દગો કરીને પકડી તો નહિ લ્યે ને ?”

“ના રે ! આપણું મા'જન બારવટીયાનું જામીન થયું છે ને !”

“અરે બાઈ ! માજને ય શું કરે ! ધણીનો કોઈ ધણી છે ? મા'જન પાસે ક્યાં ફોજ છે ! પાદશા તો પકડીને પૂરી દ્યે બહારવટીયાને.”