પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસોજી વેજોજી
૨૨૯
 


“કાં બાપુ !” ભાતભાતની પાઘડીઓ વાળા શેઠીઆઓ હાથ જોડીને પૂછવા લાગ્યા.

“પાદશા દગો કરે તો તમે શું કરો ?”

“અમે શું શું ન કરીએ ? અમે હડતાળું પાડીએ : હાટડે ખંભાતી તાળાં દેવરાવીએ : ઘાંચીની ઘાણી ને કુંભારના ચાકડાં બંધ કરાવીએ. અમે માજન શું ન કરી શકીએ ? શાકપીઠમાં બકાલાં સડી સડીને ગામને ગંધાવી નાખે; જાણો છો ઠાકોર ? ભલેને અમને વેપારમાં હજારૂની ખેાટ્ય જાય, તો ય શું, તમારા માથા ઉપરથી ઓળધોળ કરી નાખીએ દરબાર ?”

“હા શેઠીઆવ ! તમે તો સમરથ છો. પણ હડતાળ પાડ્યે કાંઈ અમારાં ડોકાંમાંથી નવાં કોંટા થોડા ફુટે છે ! લીલાં માથાં ફરીવાર નથી ઉગતાં ભાઈ !”

“ઈ તો સાચુ બાપા ! અમે તો બીજું શું કરીએ ? અમારી પાસે કાંઈ લાવ લશ્કર થોડું છે ?”

“શેઠ ! મારી ન શકો, પણ મરી તો જાણો ને ?"

“ત્રાગાં કરવાનું કો'છો ? અરરર ! અમે ત્રાગાળું વરણ નહિ - ઈ તો ભાટ -ચારણુંનાં કામ !”

“સારૂં શેઠ ! જાવ ! પાદશાને કેજો કે અમારા હામી માજન નહિ.”

“ત્યારે !"

“કાં રાણીજાયા, ને કાં બીબીજાયા ?”

“બીબીજાયા ! મલેછ તમારા હામી ? માજન નહિં, ને મલેછ ? જેને મોવાળે મોવાળે હિંસા ! અરરર ! ”

કલબલાટ મચી ગયો. મહાજનના શેઠીયા સામસામાં લાંભા હાથ કરીને જાણે પરસ્પર વહી પડશે એવે ઉગ્ર અવાજે બોલવા લાગ્યા. અરર ! અરરર ! એમ અરેરાટીનો તો પાર જ ન રહ્યો.

મહાજન વીંખાયું, માર્ગે મીચકારા મારીને વાતો કરતાં ગયાં;