પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૩૩
 

એની તો આખા મલકને ખોટ્ય કહેવાય. જીવતો એ મારો દુશ્મન હતો, પણ મુવા પછી તો મારો ભાઈ લેખુ છું. માટે ભાવનગરને ખર્ચે મારે કુંડલા મુકામે એનું કારજ કરવું છે. તમારૂં કામ તો એટલા સારૂં પડ્યું છે કે કારજમાં તમે ભાણ જોગીદાસને બોલાવી લાવો. મારા હાથનો કસુંબો લઈને પછી ભલે તુરત એ ચડી નીકળે. પણ એના બાપને માર્યા પછી હું એને અંજળી ભરી કસુંબો ન લેવરાવું ત્યાં સુધી મારા જીવને ઝપ નથી. વેર તો કોને ખબર છે ક્યાં સુધી હાલશે !”

કહેવાય છે કે ઠાકોરના પેટમાં દગો હતો. બહારવટીઆઓને ઝાલી લેવાની પેરવી હતી. પણ કસુંબા લેવાઈ રહ્યા, સહુ સહુને ઉતારે ગયા, રાત પડી, એટલે મૂળુવાળાએ સનસ કરીને બહારવટીયાને ચેતાવ્યા “હં....ભાણ જોગીદાસ ! હવે ચડી નીકળો ઝટપટ."

“અરે ! પણ મહારાજ વાળુમાં વાટ જોશે.”

“તો પછી ઝાટકાનાં વાળુ સમજવાં જોગીદાસ !”

આંહી બહારવટીયા ચડી ગયા, ને ત્યાં મહારાજને ખબર પડ્યા.

રોષે ચડેલા ઠાકોરે રાજકોટ પોલીટીકલ એજન્ટને ખબર દીધા કે “બહારવટીયાને પકડી લેવાની મારી પરવીને જેતપૂર મૂળુવાળાએ અને જસદણના શેલા ખાચરે ધુળ મેળવી દીધી છે. બહારવટીયાને નસાડ્યા છે."

આ ઉપરથી એજન્સી સરકારે જેતપૂર અને જસદણ ઉપર સરકારી થાણાં બેસારી દીધાં હતાં.

બાપુનું ગામતરૂં થઈ ગયું. મોટેરો ભાઈ ગેલો ખુમાણ પણ ગુજરી ગયા છે. એટલે સહુ ભાઈઓમાં મોટા જોગીદાસને માથે ગલઢેરાઈ આવી. એંશી ઘોડે જોગીદાસ ઘૂમી