પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
સોરઠી બહારવટીયા:૨
 


“ન ભાખે બાપા. ભાખે એની જીભમાં કાંટા પરોવાય.”

“ત્યારે આપા ભાઈ ! મને લાગે છે કે તમારા દીકરા તમારૂં ગઢપણ કદિક નહિ પાળે તો ?” ઠાકોર હસ્યા.

“તો આંહી આવીને રહીશ બાપા !”

“ના, ના, આંહી યે કદિક આ મારાં પેટ - અખુભા નારૂભા પલટી જાય. આજ કોઈનો ભરોસો નહિ કોઈની ઓશીયાળ નહિ. રાજ તમને 'જીરા' ખડીયા ખરચી દાખલ આપે છે. જીવો ત્યાં સુધી ખાઓ પીઓ.”

બહારવટીયો આભો બન્યો ×[૧] જીરા ! ત્રીસ હજારની ઉપજ આપનારૂ જીરા ગામ ઠાકોરે ખડીયા ખરચીમાં નવાજ્યું.

જોગીદાસે ઠાકોરના હાથમાંથી કસુંબો પીધો. સામી અંજલિ પીવરાવી. વસ્તીને વધામણી સંભળાવવા સહુ કચેરીમાં આવ્યા.

બહારવટીયાને શરણાગત નહિ પગ સમવડીઓ કરીને ઠાકોરે પોતાની સાથે અરધોઅરધ ગાદી પર બેસાર્યા, અને બંદીજનોએ બેયને ત્રોવડ તરીકે બિરદાવ્યા :

વજો અવરંગશા વદાં, દરંગો જોગીદાસ
તણહાદલ વખતાતણ, આખડીયા ઓનાડ.

[બેમાંથી કોનો વત્તો ઓછો કહું ? વજો મહારાજ ઔરંગજેબ જેવો વીર, ને સામો જોગીદાસ પણ દુર્ગાદાસ જેવો : એક વીર વખતસિંહનો


  1. ×આ 'જીરા' વિષે એમ પણ બોલાય છે કે એ ખડીયાખરચી તરીકે નહિ, પણ જોગીદાસના દીકરા લાખા હરસૂરની ધોતલીમાં અપાયલું.
    કહેવાય છે કે આ 'જીરા' ગામ જોગીદાસના વિદેહ પછી પણ એના વંશમાં ચાલુ રહેલું. ત્રીજી પેઢીએ એભલ ખુમાણના વખતમાં એ વંશનાં એક વિધવા બાઈએ, પેાતાને પિત્રાઈઓ ગરાસ ખાવા દેતા ન હોવાથી 'જીરા' વિષેનો દસ્તાવેજ દરબારી અધિકારીને આપ્યો. આધિકારીએ જોયું કે 'જીરા' તો ફક્ત જોગીદાસની હયાતી પૂરતું જ બક્ષાયલું. એણે રાજમાં જાહેર કરીને જીરા ખાલસા કરાવી લીધું. પૂછવા જતાં ગગા ઓઝાના રાજપુરૂષે કહ્યું કે "જીરા (જીરૂ) તો શાકમાં પડી ગયુ !”