પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદુ મકરાણી
૫૩
 

છું. તમે ફિકર કરો મા. જાઓ જલ્દી, ગામલોકોને સમજાવીને ઝટ બહાર નિકાલો.”

વાત કહેતાં કહેતાં અલીમહમદના હાથમાં તસ્બી ફરી રહી હતી. અવાજમાં ઉશ્કેરાટ નહોતો. આંખોમાં રોષની નહિ પણ વેદનાની લાલપ ભરી હતી.

ગામની અંદર વાત પ્રસરી ગઈ. ગામેતીની શીખામણને વશ થઈ વસ્તીનાં લોકોએ ભારે હૈયે પોતાની ગાયો ભેંસો ખીલેથી છોડી, આંસુભરી આંખે ઉચાળા ભર્યા. સહુ અલીમહમદને રામ રામ કરી, રોતાં રોતાં બહાર નીકળ્યાં. અને કાલ સાંજ થાશે ત્યાં તો આ ખોરડાં, આ પાદર, આ વડલા ને આ પંખીડાં, કોઈ નહિ હોય, આપણું ઇણાજ પડીને પાદર થશે, એ વિચાર કરતાં કરતાં, ગામનાં ઝાડવાં ઉપર મીટ માંડતાં માંડતાં લોકો માર્ગે પડ્યાં. પણ બુઢ્ઢાં હતાં તેટલાં પડ્યાં રહ્યાં. પડ્યાં રહેનારમાં એક સામંત સોલંકી, બીજો પુંજા વાલા આાયર, ત્રીજી ફુલી ડોશી લુવાણી, ચેાથો બોદો ઢેઢ, પાંચમો કિસો મેતર વગેરે જણ હતા. એને પણ ગામેતીએ પૂછ્યું “તમે શા માટે પડ્યાં છો ?”

“બાપુ !” પોતાની ડગમગતી ડોકીને સ્થિર રાખવા મહેનત કરતી ફુલી ડાશી બેલી: “અમારે ભાગીને શું કરવું છે ? મડાંને


બલોચ કહેવાય છે. ખાનદાન, સ્વમાની, સોડસોડા મરદ અને એકવચની કોમ રિન્દ–બલેાચ: એ એના સદ્દગુણો. પણ અજડ, અવિચારી, ક્રૂર અને કેટલેક અંશે Unscrupulous ખરા, એ એમના અવગુણ. ધીમે ધીમે આ નવા આવનારા સગાઓ બહુ બળીઆ નીવડ્યા. એવે અસલવાળા પક્ષનો મઝીઆન નામનો એક મકરાણી બહારવટે નીકળ્યો. તેને તેઓ વશ ન કરી શક્યા, પણ જમાદાર અલીમહમદે કબ્જે કર્યો તેથી સામાવાળાના ભાગમાંથી નવાબે ૧૦ સાંતી જમીન અલીમહમદને અપાવી અને બાકીની ધીરે ધીરે ગરીબીને કારણે તેએાએ આ બળીઆ પક્ષને માંડી દીધી. બન્ને પક્ષ વચ્ચે અણબનાવ વધ્યો હતો અને એક વખત તો સામા પક્ષવાળા જમાદાર અબ્દુલાએ જુનાગઢ જઈને ફરીઆદ પણ કરેલી કે અમને ગામમાંથી સતાવણી કરીને કાઢી મૂકે છે. એમ લગભગ નવા આવનારાઓ ગામના ધરાર ધણી થઈ બેઠા હતા.