પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદરબક્ષ બહારવટે
૭૭
 


કરમરનો કાંટો કરી, હેતે માંડેલ હાટ,
એક પૈસાનાં આઠ, કાદુએ નાક જ કર્યો.

પોતે પોતાને હાથે તો એટલો હેવાન બની શક્યો નહિ, પણ એના ખુની ને રાક્ષસી ભાણેજ અલાદાદને હાથે આ અત્યાચાર થવા દીધો.

બાનને બહારવટીયો કેવી રૂડી રીતે રાખતો ! એક દિવસ કાદુ નદી કાંઠે નમાજ પડે છે. ટુંકા અને મોરૂકા વચાળે સરસ્વતી નદી ચાલી જાય છે. નમાજ પડતો પડતો કાદુ પોતાની રોજની રીત પ્રમાણે હોઠ ફફડાવી બેાલે છે કે “હે ખુદા ! અમે જાણીએ છીએ કે અમે હરામનું ખાઈએ છીએ. અમે ત્રાસ વર્તાવીએ છીએ. અમે દોઝખમાં જ જવાના પણ શું કરીએ ? દુનિયા માનતી નથી. અમારી ઇજ્જત જાય છે.....”

ત્યાં એણે ભડાકો સાંભળ્યો. નમાજ સંકેલીને જ્યાં જાય ત્યાં તો સાંસણ ગામના દફતરી લુવાણો પુરષોતમ, કે જેને બાન પકડેલો, તેને ઠાર કરેલો દીઠો. સાત દિવસથી પુરષોત્તમ સાથે જ હતો. એને કાદુએ કવેણ પણ કહ્યું નહોતું આજ એને ઢળેલો દેખીને કાદુની આંખોમાંથી દડ ! દડ ! પાણી છૂટી ગયાં. પૂછ્યું “આ કોણ શયતાને કર્યું ?”

અલાદાદને ચહેરે મશ ઢળી ગઈ. “અલાદાદ, તેં આ કર્યું ? બાનને માર્યો?” એટલું કહી અલાદાદના શિર પર બંદૂકનો કંદો માર્યો. માથું ફોડ્યું. અને કહ્યું કે “ચાલ્યો જા ! તું ને તારા બે સીદીઓ પણ.”