પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
સોરઠી બહારવટીયા : ૩
 


સાત દિવસ સુધી ત્રણે સોબતીઓને જૂદા રાખેલા. પછી તેઓ ઘણું રગરગ્યા ત્યારે જ પાછા સાથે લીધેલા.*[૧]

કહે છે કે પોતે ભૂખ્યા રહીને પણ બાનને ખવરાવત્.

વૈશાખ મહિનો હતો. વેરાવળના હવા–મ્હેલોમાં દરિયાની લહરીઓ હિલોળાઈ હિલોળાઈને હાલી આવતી હતી. ગોરા અમલદારોની છાવણીઓ નખાઈ ગઈ હતી. મ્હેલો ઉપર અંગ્રેજોના વાવટા ફડાકા મારી રહ્યા હતા. સાહેબ મડમોની આંખોમાં સુખનાં ઘેન ઘેરાતાં હતાં. બારીએ બારીએ સુગંધી વાળાની ટટ્ટીઓ, મેજ ઉપર ફુલોના હાર ગજરા, મીઠાં શરબત અને મીઠા શરાબ, એ સહુ મળીને સાહેબ લોકોને નવાબની મહેમાનદારીની મીઠપમાં ઝબકોળતાં હતાં. અંગ્રેજોની સરભરા માટે જુનાગઢનું રજવાડું વખણાય છે.

એક દિવસ સાંજ નમતી હતી. બે ઘોડાગાડીઓ ગોધૂલીના અંધારા-અજવાળાં વીંધીને પ્રભાસપાટણથી વેરાવળ પાછી આવતી હતી. ગાડીઓને બન્ને પડખે રાતા દીવા, આ અંગ્રેજોની રાતી આંખો


  1. *એક જાણકાર આ વાત બીજી રીતે બની હોવાનું કહે છે :પુરષોતમ દફતરી નહિ પણ જંગલ વહીવટદાર હેમાભાઈ અમીચંદ મારૂકાથી સાસણ જતા હતા તેવામાં માર્ગે એને બહારવટીયાએ રોક્યા;પછી પૂછપરછ કરીને અલાદાદે એને ચાલ્યા જવા દીધા. હેમાભાઈ થોડેક ગયા હશે ત્યાં તો જાંબૂરનો સીદી બાવન બોથા કે જે બહારવટીયાઓ માટે ભાતું લઈને આવેલ, તેણે અલાદાદને કહ્યું કે “તમે તો એને જવા દીધા, પણ એ તો અમારો વહીવટદાર છે, એટલે અમને લીલી તાપણીમાં બાળશે.” આ પરથી અલાદાદે પાછળથી બંદૂક મારી હેમાભાઈને ઠાર કર્યા. આ જાણ થતાં જ કાદુએ અલાદાદને ફિટકારી કાઢી મૂકેલો. કાદુ એમ કહેતો કે આવી અકારણ હિંસા તેમની નેકીનેખાઇ ગઈ.