પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદરબક્ષ બહારવટે
૧૧૧
 
૧૮

મુંબઈને કિનારેથી બે જણાં વ્હાણમાં ચડતાં હતાં. એક ઓરત ને બીજો એક જુવાન : ઓરતના માથા પર માટલું હતું. થોડી વારમાં જ વ્હાણ પર ચડી જાત.

“આ માટલામાં શું છે બાઈ ?” પોલીસે શકભરી રીતે પૂછ્યું.

“ગોળ છે.”

“ગોળ ? ગોળ ક્યાં લઈ જાઓ છે ?” એમ કહીને પોલીસે માટલા પર લાકડી લગાવી. વહેમ વધ્યો. માટલું ઉતરાવ્યું. ગોળના થરની નીચે તપાસતાં માટલું ઘરાણાંથી ભરેલું નીકળ્યું.

તપાસ થઈ : બાઈ હતી કાદુની બહેન ઝુલેખાં અને જુવાન હતો દાનમામદ : કાદુનો સંગાથી બહારવટીયો. મકરાણમાં ભાગી જવા નીકળેલાં. એ બેઉ મુંબઈમાં પકડાણાં.

આવી રીતે તમામને પકડ્યા. એને ઓળખાવવા માટે શકદાર લોકોને તેડાવ્યા. કેટલા ભરવાડ, રબારી, આહિર, ચારણ, કણબી વગેરે રૈયતનાં લોકો ઉપર રાજના અમલદારો કાદુના કરતાં બેવડો કેર વર્તાવી રહ્યાં હતા. લોકોને પૂછતા હતા કે “ આ હરામખોરોને રોટલા તમે દેતા હતા કે ?”

તે વખતે દાનમામદ બોલતો કે “એના ઉપર શા માટે સિતમ ગુજારો છો ? રોટલા અમને એણે નથી દીધા, પણ અમારી આ તલવારે-બંદૂકોએ દીધા છે. અને એ રબારી–ચારણોનાં બટકાં ઉપર અમે અક્કેક દિવસમાં ચાલીસ ચાલીસ ગાઉ નહોતા ખેંચતા સાહેબ ! અમે તો માલ માલ ખાતા માટે એને બાપડા નિર્દોષોને શીદ મારો છો ?”

અલાદાદ, દીનમામદ, ગુલમામદ વગેરે તમામ પકડાઈ જનારાઓને હિં. પીનલ કોડની કલમ ૧૨૧ अ ને મળતી સૌરાષ્ટ ધારાની કલમ મુજબ ખૂન, હથિયારબંધ ડાકાઈટી વગેરે તોહમત મૂકી ફાંસીની સજા ફરમાવી.