પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
સોરઠી બહારવટીયા : ૩
 


“ડોસા કાકા, મારા બાપને હવે શીદ સંભારો છો ? મને જ જવાબ આપોને, કે મારૂં આખું ખળું શીદ જપ્તી ખાતે જમા કરો છો ? મારે ખાવું શું ?“

“ખાવ ચોરી લૂંટીને ! બાપદાદાનો ધંધો છે. તમારે શી લાજ શરમ ?”

“ચોરી લૂંટ ? પરસેવો રેડીને નહિ ખાવા દો તો પછી ચોરી લૂંટે જ મન ચડશે ને ડોસા પટેલ ?”

“હા, ઝટ કરો એટલે સરકારની તુરંગનાં સોના-સાંકળાં તૈયાર છે તમારા સારૂ, આપા રામ ! જાવ, કરો કંકુનાં.”

રામ ડોસાની ઓસરીએથી ઉતરીને પાછો વળ્યો. અને ઘેર પહોંચ્યો તેટલી વારમાં એને કૈક વિચારો આવી ગયા : આ મારો બાપુકો મૂળ ગરાસ : એના ઉપર જપ્તી બેઠી : હું લોહીપાણી એક કરીને કામ્યો : તો ય ખળામાંથી ખાવા પૂરતું ન રહેવા દીધું: હું ગરાસીઓ, બીજી મજૂરી કરવા ક્યાં જાઉં ? મારી રંડવાળ માને શું ખવરાવું ? આ બધું કરનાર કોણ ? વાવડીનો પટેલ : વાવડીનો રણીધણી : વાવડીનો ગાયકવાડ : ગામેગામના પટેલો ગાયકવાડીનાં જ જૂજવાં રૂપ. આવાં અસત અને કૂડ ઉપર ચાલતાં અમલમાં પીલાવા કરતાં તરવાર ધબેડીને ચોડે ધાડે ખાવાનો જૂનો સમો શું ખોટો ?”

સાચા ખોટા કૈક વિચારો રામને હૈયે રમી ગયા. ડોસો એની નજરમાં જડાઈ ગયો. ખેડ મેલીને રામ પાછા રઝળવા માંડ્યો. એક ડોસાને પાપે એને આખી ગાયકવાડી ખટકી. એનું માથું ફરી ગયું. એમાં એણે દાઝે ભરાઈને ગામના એક સરધારા કુંભારને માર્યો. મુકર્દમો ચાલ્યો ને રામને ત્રણ મહિનાની ટીપ પડી. ધારીની તુરંગમાં રામને પૂરવામાં આવ્યો. ત્યાં પલટનના સિપાહીઓમાંથી એક પહેરગીર સાથે એને હેત બંધાણું. એ પહેરગીર રામની છુપી ખાતર બરદાસ્ત કરતો હતેા. રાતે કે દિવસે જ્યારે બે ય ભેળા થતા ત્યારે છુપી વાતો કરતા હતા. રામે તો ત્યાંથી જ