પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
સોરઠી બહારવટીયા : ૩
 

જમાડી. આઠ દિવસ સુધી કસુંબા કાઢ્યા અને પછી ગાડીએ બેસી કરાંચી ઉતર્યા. ત્યાંની પોલીસે શક ઉપરથી આ ચારેને અટકાયતમાં લીધા. ધારી ગામના ફોજદારનું ખૂન કરનારા કરણ હાજા અને લખમણ નામે તોહમતદારો હોવાનો પોલીસને વ્હેમ પડ્યો. એની પાસેના રૂ. ૭૦૦ અટકાયતમાં રાખ્યા. આ ચારેએ કહ્યું કે “ભાઈ, અમે કરણ હાજા ને લખમણ નથી, અમે તો વાવડીનો રામ, અમરાપરનો ગોલણ વગેરે કાઠી છીએ ને હીંગળાજ પરસવા જાઈએ છીએ."

પોલીસ કહે “તો તમારો જામીન લાવો.”

“આંહી પરદેશમાં અમારો કોણ જામીન થાય !” એમ વિચાર કરતાં રામને પોતાનો એાળખીતો કાઠી દાનો કાળીઓ સાંભર્યો. એને ગોતી પોતાનો જામીન કર્યો. ઉપરાંત રામે પોલીસને પોતાના વિષેની ખાત્રી માટે વાવડી ગામના શેઠીઆ પર કાગળ લખવા સરનામું આપ્યું. એમ કરી ત્રણે છૂટ્યા. ચારેને દાના કાળીઆએ જમાડા જૂઠાડ્યા. ચારે ભગવાં લૂગડાં રંગીને હીંગળાજની જાત્રાએ ચાલી નીકળ્યા. જઈને જાત્રા જુવારી લીધી.

ગોલણે કહ્યું “રામભાઈ, પોલીસે વાવડીમાં પૂછાણ કરાવ્યું હશે. અને આપણે જાણીએ છીએ કે જવાબમાં આપણાં કેવાં ગીત ગવાણાં હશે. માટે હવે આપણે આંહીથી જ ભાગી નીકળીએ.”

“પણ ભાઈ !” રામે સંભાર્યું, “ઓલ્યો કાળીઓ કાઠી આપણો જામીન થયો છે. એ બચારો નવાણીઓ વચ્ચે કૂટાઈ જાયને ! આપણાથી એને દગો કેમ દેવાય ?”

ચારે પાછા કરાંચી આવ્યા. કાળીઆ કાઠીને મળ્યા. પોતાનું પેટ દઈ દીધું. કાળીઓ કહે કે “ભાઈ, ભાગવું હોય તો ભાગી નીકળો. મારૂં તો વળી જે થાય તે ખરું.”

“ના, ના, ના, ભાઈ!” રામ મક્કમ બન્યો “ચાલો આપણે પોલીસમાં જઈ તને જામીનખતમાંથી મોકળો કરી દઈએ.”