પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળો
૧૩૩
 

નાખ્યા. બરાબર એ જ ઠેકાણું: બરાબર એ જ બે થાંભલીઓની વચ્ચે - જ્યાં ખંભાળીઆની જગ્યા વાળા સંત નથુરામજીની દીકરી સાધ્વી રાધાબાઈએ ડોસાના હાથના પરોણાની પ્રાછટો ખાઈને ડોસાનું કમોત વાંચેલું.

મારીને જુવાન બહારવટીયો કાળભૈરવ શો ઉભો રહ્યો. દુશ્મનની અલમસ્ત કાયાએ લોહીનાં પાટોડાં ભરી દીધાં હતાં તેમાંથી એણે લોહીનું તિલક કર્યું. 'જે સૂરજની !' બોલતો નીકળી પડ્યો. પાછળ ગોલણ ને નાગ ચાલ્યા. નીકળે તે પહેલાં તો એ બનાવ આખા ગામમાં ફુટી ગયો હતો. નીકળતાં રસ્તે રામની ફુઇનું ખોરડું આવ્યું. તાજા દોયેલા દૂધનું બોઘરૂં ઝાલીને ફુઈ ઉભાં થઈ રહ્યાં હતાં. ત્યાં સાદ સંભળાણો “ફુઇ, નારણ !”

“નારણ બાપ ! મારા વિસામા ! બહુ ખોટું કર્યું. ગઝબ કર્યો રામ !”

રામ કાંઈ ન બોલ્યો. ચાલવા માંડ્યો ત્યાં ફુઈએ કહ્યું “થઈ તે તો થઈ બાપ ! પણ હવે છેલ્લીવારનું મારા હાથનું દૂધ પીતો જાઇશ ?”

“લાવો ,ફુઈ !"

આખું બોઘરૂં ઉપાડી લીધું. ઘટક ! ઘટક ! ઘટક ! આખું બોઘરૂં રામ ને ગોલણ બેય ગટાવી ગયા. ફરીવાર 'ફુઈ, નારણ!' કહ્યું, ફુઈએ દુ:ખણાં લીધાં અને પચીસ વરસનો રામ પોતાના મનોરથને માર્ગે ચાલી નીકળ્યો. તે વેળાએ વાવડીના સીમાડા ઉપર વૈશાખ શુદ દસમને મંગળવાર ચારે છેડે આથમતો હતો. વાવડીમાં ગોધન પેસતું હતું, અને ભાઈવિહોણી બેનના જેવો રાગ કાઢીને ઘેટાનાં બાળ ભરવાડોની આઘેરી ઝોકમાં રોતાં હતાં.

“હવે ગોદડ ?”

“હવે કૂબડે: ડોસાને ગૂડ્યો તેમ ભૂરાને ગૂડવા.”

“બરાબર. હાલો.”