પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળેા
૧૪૯
 

શી રીતે ? પથારીએ પડ્યાં પડ્યાં રામે કહ્યું “ભાઈ ગોલણ ! તમે સૌ જઈ ગાયકવાડનું ભલગામ ભાંગો.”

ગામ ભાંગીને ટોળી પાછી આવી ત્યારે પુછપરછ કરતાં રામને જાણ થઈ કે ટોળી તો ભલગામ નહિ પણ ગોંડળ તાબાનું વાવડી ભાંગી આવી છે. પથારીવશ રામે બહુ અફસેાસ ગુજાર્યો. “અરે હાય હાય ભાઈ ગોલણ ! આપણે ખોટ્ય ખાધી. ગોંડળ હારે ક્યાં મારે વેર હતું ?”

ગોલણ કહે “અમને તો કાળુ ખુમાણે લલચાવ્યા.”

“પણ ગોલણ ! તેં શું મને નહોતો એાળખ્યો ? તેં ઉઠીને આવી ભૂલ કરી ? મારો માનખો બગાડ્યો ?”

ગોલણને દુ:ખ લાગ્યું. એના મનનો ઉંડો મેલ ઉખળ્યો : “રામભાઈ, કામ અમે કરીએ અને નામચા તારી ગવાય. અમને જશ જ ક્યાં જડે છે ?”

“મારી નામચા ગાવાનું હું ક્યાં કોઈને કહું છું ? લોકો આફરડા બોલે એમાં હું શું કરૂં? તમને જો એમ જ થાતું હોય ને ખુશીથી તમારા નામનું બારવટું ચલાવો. તમે જશ લ્યો. હું તો જશ લેવા નહિ પણ મોતને ભેટવા નીકળ્યો છું.”

ગોલણ સમજી ગયો હતો કે હવે રામભાઈને ભાંગતી વાર છે. એણે ગોદડને પોતાની ભેળો લીધો. નાગને પૂછતાં નાગે ખાનદાન જવાબ દીધો કે “ના, ના, હવે તો હું રામભાઈને મૂકું કદિ ?”

ગોલણ ને ગોદડ નોખા પડી હરદ્વાર તરફ ચાલ્યા ગયા. રામવાળો ભેરૂ રબારીને ખભે ચડીને ખીલખાના એક કાઠી દરબારને આશરે ગયો. ત્યાં રહ્યે રહ્યે એના પગની વેદના પૂરા જોરમાં સળગી ઉઠી. આરામની આશા ન રહી ત્યારે રામે કહ્યું કે “ભાઈ, મારો દેહ પડી જાય તેમ છે. મને હવે ગરનાર ભેળો કરો. ત્યાં ચોરાસી સદ્ધનું બેસણું છે, એટલે મારો મોક્ષ થાશે.”