પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮

દાસ નહિ પણ મુરાદશા મળ્યો. જોધા માણેકને કોઇ ન મળ્યું. જેસા- વેજાને માગડો ભૂત મળ્યો, બાવાવાળાને દાનો ભગત મળ્યા. કોઈને રામદાસનો મણિસ્પર્શ ન થયો. નહિ તો એમાંના કોઇમાંથી પણ શિવાજીનું સ્વલ્પાશ સોનું સૈારાષ્ટ્રને સાંપડ્યું હોત. મહાનુભાવતાની ભારેલી ચીનગારીઓ કોઈ કોઈ વાર ઝબૂકી ગઈ. પણ એની સાથે લોક-સેવાની ભાવનાનાં ઇંધણનો સંપર્ક કરાવી, દિક્ષાની ફૂંક દેનાર કોઈ પરમ પુરુષ નહોતો. સૈારાષ્ટ્રમાં રામદાસ નહોતા, ગુરૂ ગોવિંદસિંહ નહોતા. વીરત્વની સોનાખાણના આ સુવર્ણને ઓગાળી માટીથી વિખૂટું પાડનાર કોઈ ભઠ્ઠીઓ નહોતી, એરણ ને ધણ નહોતાં. કારીગર કે કામીઆગર નહોતો. એની ક્રુર બહારવટા–નીતિમા સંસ્કાર ન આવ્યા તે માટે તો જગત સમસ્તના વીરત્વનો ઇતિહાસ જવાબદાર છે. અને આજે નિર્મલ વિવેકદૃષ્ટિને નામે છાપરે ચડીને બોલતો યુગ પોતે શું આચરે છે ? વાણિજ્ય, ઉદ્યોગ, રાજકારણ, વગેરેનાં ષડ્‍યંત્રોમાં લાખો સ્ત્રીપુરૂષો અને બાલકોનો દિવસરાત સંહાર બોલાવી, એનાં શોણિતને પૈસે કલા, ધર્મ, કેળવણી, સમાજસુધારો, સ્વાતંત્ર્ય ઈત્યાદિના ધુરંધર મુરબ્બી બની, દેશવીર બની અનેક લોકો પૂજાય છે. એની લંપટતા અને રક્ત ચૂસવાની કુનેહ આજે વીરત્વમાં ખપે છે. બહારવટીઆ હરગીઝ એ બધું જોઈને આજે પોતાને પૂણ્યશાળી માનત.

હવે કરીએ બીજી કોટિના બહારવટીઆની વાત : એમાં આવે છે વાલો નામોરી, મોવર સંધવાણી એકલીઓ વગેરે : જેને કાઈ રાજસત્તા સામે રોષ ફરીઆદ-grievance નહોતા. તેઓનાં બહારવટાં unprovoked-બીનઉશકેરાયલાં હતાં; અથવા કુટુંબકલહમાંથી, એકાદ કોઈ ગુન્હામાથી, કે પરસ્પપરના તંતમાથી પરિણમ્યાં હતાં. આની પાછળ શી મનોદશા હતી ? એ મનોદશા માત્ર ચોરીની અથવા લૂંટફાટની નહતી. ચોરીલુંટથી બહારવટું જૂદી જ વસ્તુ છે. બહારવટું એ જીવ- સટ્ટોસટ્ટની વાત છે. એમાં મૃત્યુ સિવાય અન્ય પરિણામ નથી. એમાં દેહદમન, પીડન, વિપત્તિઓ વગેરે બહુ હોય છે, વળી જ્યારે આવો લુંટારો પોતાના જીવનમાં નિજરચ્યા કેટલાક વસમા નેકી-નિયમો સ્વીકારી બેસે છે, ત્યારે એનાં કષ્ટો દુઃસહ બને છે. છતાં સત્તાને ચરણે પડી શાંત પ્રજાજન થવા કરતા તોફાને ચડી મૃત્યુની વાટ લેવી એને શીદ પાલવે છે? પોતે લુંટતો છતાં બીજી બાજુ ખેરાત કરી ફકીર રહેવું શીદ પસંદ કરે છે ? એનું કારણ છે Love for Romance: અદ્ભુતતાનાં તત્ત્વો સાથે ખેલવું એ એની ખુમારી હોય છે. પહાડો અને નદીઓ ૫ર જાતવંત ઘોડાં ઠેકવવાં : ગુફાઓ ને ગાળાઓમાં