પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શાંતિથી ન વિખરાય તો હથીઆર ઝુંટવી કબ્જે કરવાના હુકમ અપાયો. પરિણામે ધીંગાણું થયું. તેમાં મહીયા ને પોલીસ બન્ને પક્ષમાંથી ઘણાના જાન ગયા. મી. એસ. હેમીક (આઈ. સી. એસ.)ને પ્રમુખપદે એક મીશન, મહીયાઓની ફરીઆદો તપાસવા નીમાયું. મુખ્ય ફરીયાદો જુનાગઢ રાજ્ય અને એની પોલીસ સામેની હતી. છ વર્ષ સુધી તકરાર લંબાઈ, સંતોષકારક ફેસલો થયો. અને રોકડ જમાબંદીને બદલે જમીનની બદલીના ધેારણે સુલેહ થઈ શક્યો.”

કૅ. બેલનું અર્ધ સત્ય ખુલ્લુ કરનારી પ્રચૂર હકીકતો “The Brutal Massacres of the Mahiyas of Junagadh” નામના, એક કાઠીઆવાડી ભાઈએ લખેલ પુસ્તકમાં ભરી હોવાનુ ચોક્કસપણે જાણ્યું છે. પણ એ ચોપડી દુષ્પ્રાપ્ય હોઈ એનો ઉપયોગ અત્રે થઈ શક્યો નથી. કૅપ્ટન બેલ એ કમીશનના ફેસલામાંથી પણ કશું અવતરણ કરવાની હીંમત બતાવી શક્યો નથી. પેાલીટીકલ એજન્ટના ઉચ્ચ પદ પર વિરાજમાન રહીને એણે માત્ર રાજસત્તાઓના પોપટ બનવું જ પસંદ કર્યું છે. એ રાજપક્ષીએ પ્રજાપક્ષને તો લક્ષ્યમાં જ લીધો નથી .