પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કનડાને રીસામણે

ગીરના ખોળામાંથી વિખૂટો પડી ગએલ આ કનડા ડુંગરો : એની દક્ષિણે દાદરેચો અને દાદરેચી નામના બે ડુંગરાની જુગલ જોડી ઉભી છે: એને અગ્નિ ખુણે રાયડો ને રાયડી નામના ડુંગરા બેલડીઓ બેસીને જાણે અહોરાત વિવાહ જ ઉજવ્યા કરે છે. એની છેડાછેડી જાણે કો દિ' છૂટતી જ નથી. આઘે આઘે ઘેડના કાંઠા માથે સૂરજ જ્યારે આથમતો હોય છે, ત્યારે દરિયાનાં પાણી ઉપર છવાતા ઝળેળાટ આંહી કનડે ઉભેલાને ય કોઈ કોઈ વાર નજરે દેખાય છે.