પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦ સોરઠી સંતો


બાંધે ને બાજુબંધ રે ગરનારીને બેરખા રે જી !
હાથે છે કાંઇ દસે આંગળીએ વેઢ – બાળૂડો૦
માથે ને મેવાડાં રે ગરનારીને મોળીયાં રે જી !
ખંભે છે કાંઇ ખાંતીલા રૂડા ખેસ – બાળૂડો૦
વેલાનો આ ચેલો રે રામ બાવો બોલીઆ રે જી !
ધણી મારા ! એાળે આવ્યાને ઉગાર – બાળૂડો૦


ગિરનારના શિખરોમાં કોઇ સાધુએ શબ્દ સંભળાવ્યો કે “જય વેલનાથ ! જય ગરનારી વેલનાથ !”

જોગીએાની જમાત 'જય વેલનાથ !' શબ્દનો આહાલેક સાંભળીને ઉશ્કેરાઇ ઉઠી. બોલનારને ઝાલ્યો પૂછ્યું “આ ગરવાના ટુંક પર કોનો જય ગાઓ છો ?”

“ગરનારી વેલનાથનો.”

“વેલનાથ કોણ ? નવ નાથમાં દસમો ક્યારે ઉમેરાણો :”

“કોળીને દેહે, ઘરસંસારીને રૂપે, જુનાગઢને કાળવે દરવાજે વેલનાથ વસે છે.”

કોળીનો દેહ : ઘરસંસારી : અને વસ્તીમાં વાસ : એટલું સાંભળીને ગુરૂ દત્તના શિખર પર રોષની ઝાળો પ્રગટ થઇ. આજ્ઞા થઇ કે “જાઓ ખાખીઓ ! એની પરીક્ષા કરો.'નાથ'નો દાવો જૂઠો હોય તો ચીપીઆ લગાવીને આંહી હાજર કરો !”

જમદૂત જેવા ખાખીઓ છૂટ્યા. કાળવે દરવાજે સોનરખ નદીને કિનારે વેલો બાવે ઘરબારીને વેશે રહે છે. ઘરમાં બે સ્ત્રીઓ છે. સંસારીનો ધર્મ સાચવીને રહે છે. જળમાં પોયણાં જેવું એનું નિર્લેપ જીવતર છે.