પૃષ્ઠ:Sorathi Santo.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦

નિરાધાર ક્ષુધાતૂરોને માટે રોટલા માગી લાવવાની એક ઝોળી: એકાદ દૂબળી 'કામધેનું' : આ રીતે જગ્યાનો પાયો રોપાય. પાંચ પાંચ સાત સાત ગાઉ સુધી સંતો ઝોળી ફેરવે. ટુકડા, ઉધરાવે. સહુ સાથે બેસીને ખાય.

પછી લોકો પોતાનાં ખેડ વેપાર પર લાગા કરી આપે : સદાવ્રત ચાલુ થાય : પરગજુ ને ઉધમી પ્રજા પોતાની કમાઇમાંથી ધર્માદાનો હિસ્સો કાઢી અનાજની ગુણીઓ કે ગાડીઓ ઠલવી જાય. રસોડાં વહેતાં થાય. ધેનુઓ વધે. કામ કરનારા વધે.

તે પછી સંત પુરૂષની સિદ્ધિનો મહિમા દાખવારા બે ત્રણ પરચા ચમત્કારો બહાર પડે: વસ્તીની આસ્થા વધેઃ ઇષ્ટ ફળની સિદ્ધિ માટે માનતા માની હોય તે પરિપૂર્ણ થતાં લોકો પોતાનાં ગાયો, ઘેાડાં, નિર્વંશીએાની ઘરવકરી વગેરે જગ્યામાં અર્પણ કરી જાય.

એટલે જગ્યાએ ધર્યાં બે રૂપઃ એક અનાથ-આશ્રમનું અને બીજું ગૌશાળાનું. અપંગો, કોઢીયાં પોતીયાંઓ, નમાયાં ને નબાપાં, નિરધારો ને બુઢ્ઢા, અશક્તો, સાચા ત્યાગીઓ અને જૂઠા એદીઓ બધાંનો ત્યાં આશરો બંધાયો. રાજ, સમાજ કે વ્હાલામાં વ્‍હાલું સગું પણ જેને ન સાંચવે તેને આ જગ્યાઓ સાંચવતી. વિના સગાયે એનાં પાસ પરૂ ને મળમૂત્ર અાંહી ધોવાતાં.

પછી રાજદરબારોએ તો આસ્થાને વશ બની જમીનો આપવા માંડી. પણ મૂળ સ્થાપકો આ પ્રલોભનનું બુરું પરિણામ સમજતા હતા. તેથી જ આપા દાના જેવા ડાહ્યા પુરૂષે આખાં ને આખાં ગામડાંનાં દાન સ્વીકારવાની પણ ના પાડેલી. છતાં બહોળી લોક–સેવાની અભિલાષાએ આવા ગરાસો આખરે સ્વીકારાયા એટલે સેવાનો પરિગ્રહ વધ્યો.

એનું મેલું ફળ મૂળ સ્થાપનારના મૃત્યુ પછી તૂર્ત જ આવ્યું. સ્થાપકોએ કાં તો પોતાના અથવા ભાઈ ભત્રીજાના વંશમાં એ જગ્યાની સોંપણી કરી, અથવા કોઈ સુપાત્ર ચેલાને બેસાડવાની પ્રથા પાડી.