પૃષ્ઠ:Sorathi Santo.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાના ભગત
૩૩
 


આમ અફસોસ થઇ રહ્યો છે, ત્યાં આપો દાનો આવી પહોંચ્યા. પીપળો વઢાયાની વાત એને પણ કહેવામાં આવી.

“ભણેં બાપ રાયકાઓ ! ” આપો બોલ્યા, “યામાં કાણું થઉ ગો” ! ડાળ્યને ભેાંમાં ફરીવાર વાવુ દ્યો ને ! એકને સાટે બે પીપળા થાહે !”

“અરે આપા ! “ માલધારીઓ હસવા લાગ્યા, “પીપર, વડલો, કે અાંબો, ઈ સંધાયની ડાળ્ય વાવીએ તો ઉગે, પણ કાંઇ પીપળાની ડાળ્ય તે ફરીવાર ચોંટે ભગત ?”

“કાણા સાટુ નો ચોંટે બાપ ? સીંધાયની જેમ પીપળાની ડાળ્ય સોત ઉગે ! ઠાકરને ઘરે ઈમાં ભેદ હોવે નહિ. માટે ઠાકરનો નામ લઉને વાવું દ્યો ભા ! હાલો, ખોદો ખાડો.”

ખાડો ખોદાયો તેમાં ભગતે ડાળ રોપી. ઉપર ધૂળ વાળી ખામણું કરીને દરરોજ પોતે જ પાણી સીંચવા લાગ્યા. દિવસ જતાં ઝપાટાભેર ડાળ કોળી, પાંદડાંની ઘટા બંધાઈ ગઈ. ચળકતાં પાંદડાં ચંદ્ર સૂરજનાં તેજ ઝીલીને રાત દિવસ હસવા લાગ્યાં. ડાળ્યે ડાળ્યે પંખીડે માળા નાખ્યા. આજે પણ એ પીપળો ઉભો છે.

( ૩ )

જેનગર છોડ્યું. ફરીવાર ગાયો ઘોળીને ગરમલી આવ્યા.

બપોરને ટાણે સૂરજ ધખ્યો છે. ગોંદરે ઝાડવાને છાંયે પોતે ગા'ના ડીલનો તકીયો કરીને બેઠા છે, ત્યાં સામે એક કણબીની છોકરીને દેખી. છોકરીએ માથા ઉપર મોશલો ઓઢેલ છે. દાંત ભીંસીને બે હાથે માથુ ખજવાળે છે. માથામાં કાળી લા' લાગી હોય તેમ ચીસે ચીસો પાડે છે. છોકરીથી ક્યાંયે રહેવાતું નથી.

જુવાન દાનો ઉઠીને એની પાસે ગયો, પૂછ્યું “ભણેં બાપ ! કેવા સારૂ રાડ્યું પાડતી સો ! "