પૃષ્ઠ:Sorathi Santo.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાના ભગત
૫૩
 


બીજી વાત ગાયકવાડી સૂબા વિઠોબા વિષે બેાલાય છે. એમાં પણ ચમત્કારની વધુ પડતી ભેળ સેળ કરવામાં આવે છે. કહે છે કે ગરીબ બિચારો વિઠુ વડોદરા રાજનો એક ઘોડેસવાર હતો. એ જાતનો મહારાષ્ટ્રી બ્રાહ્મણ હતો. એક દિવસ એની વેળા વળી. ઘોડેથી એ હાથીની અંબાડીએ બેઠો. કાઠીઆવાડમાં ગાયકવાડનો સૂબો બનીને આવ્યો. કોઇ કાઠીને હાથીને પગે બાંધી છુંદતો, કોઇને દંડતો, પીટતો, એમ કાઠી કોમને જેર કરતો ચાલ્યો આવે છે. કાઠીઆવાડમાં હાક બોલી કે વિઠોબા આવે છે ! દાવાનળ આવે છે. પેશકશી ન ભરે તેનો ગરાસ આંચકી લઈ ધૂળ ચાટતા કરે છે.

કાઠી કોમના એ મહાકાળ જેવા વિઠોબાના ઓળા બગસરાના કાઠી દરબાર હરસુરવાળા ઉપર ઉતર્યા. હરસુરવાળાને અમરેલી લઇ જઇ પગમાં પાંચ શેરની બેડીઓ પહેરાવી કેદમાં પૂર્યો.

પરંતુ રાતે એક કૌતુક થાય છે. રાત વીતે, ને સવાર પડ્યે પહેરગીરો જુવે તે હરસુરવાળાની પગબેડી તૂટીને દૂર પડી હોય છે.

એક વાર, બે વાર, ને ત્રણ વાર બેડીઓ તૂટી ત્યારે વિઠોબાને કાને વાત પહોંચી. વિઠોબાએ આવીને પૂછ્યું :

“હરસુરવાળા ! તારી બેડીઓ કોણ તોડે છે !”

“મને ખબર નથી. હુ કાંઇ જાણતો નથી. ”

“તુ કાંઇ કરે છે ?”

“હા, મારા ઇષ્ટ દેવનું સ્મરણ કરૂં છું. ફક્ત બે દોહા બોલીને સુઉં છું કે -

જીરાણેથી જાગવે, સાજા કરે શરીર,
જડીયલ હોય જંજી૨, ભાંગે લઈ દાનો ભગત.
અને બીજો દોહો :
કાઠી કુળ ઉજ્વળ કર્યું, વધા૨ણ વાનાં
સંભાર્યે સુખ ઉપજે, દ:ખભંજણ દાના !