પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચાવડાને રોળી નાખીને ઊગો દોડતો આવ્યો એ પાંજર ઉપર. ગિરનારપતિ મામાની આ અપમાનિત દશા દેખીને એની સબૂરી ખૂટી ગ‌ઈ. પાંજરાનું બારણું ખોલવાની ચાવી હાથ કરવા જેટલો વિલંબ પણ એનાથી ન સહેવાયો. એણે ઠેક મારીને પગની પાટુ લગાવી એ કેદખાનાના કમાડ ઉપર. કમાડ ઊઘડી પડ્યું.

પણ એ પાટુ બંદીવાન મામા કવાટને સહેજ અડકી ગ‌ઈ અથવા અડકી ન હોય તો પણ એની બાજુએ આમ કોઈના પગની લાત ઊછળે એ કંઈ જેવું તેવું અપમાન છે ક્ષત્રિય વીરનું!

અહહહ! બારણું ઊઘડતાં જ મામા કવાટનું ક્ષત્રીતેજ સળગી ઊઠ્યું : "હેં...એં!!! તેં ઊગલે ઊઠીને મને પાટુ મારી! મારું ગૌરવભંજન કર્યું! ઊગા! ઊફ! ઊગલા! આનો બદલો હું લ‌ઈશ! જોઈ લેજે!"

ઊગો વાળો મામાને સમજાવે છે : પોતાની અધીરાઈનો દોષ - ઈરાદાનો નહિ - કબૂલ કરે છે . પણ યદુવંશી મામા મહીપાલદેવ પોતાના તુચ્છ ભાણેજ ઊગલાની આ ધૃષ્ટતા શે સહી શકે? (એ તો અનંત ચાવડાનું 'કૂકડૂ...કૂ' જ સહન કરે!)

એક વાર પાંજરે પડ્યો પડ્યો ઊગાને આવી કાકલૂદીઓના સંદેશા મોકલનાર -

સો રાજા બંધે પડ્યા, કઠ-પાંજરે કવાટ;
વાળા જોઉં વાટ, એક તાહરી ઊગલા!

છાતી ઉપર શેરડો, માથા ઉપર વાટ;
જાણજે વાળા ઊગલા! કઠ-પાંજરે કવાટ.

તું કહેતો તે આવ, તાળી જે તળાજધણી!
વાળા હવે વગાડ્ય, એકલ હાથે ઊગલા!

આવા આજીજીના સૂર કાઢનાર ગરનારપત હવે પાંજરું ઊઘડ્યે માટી થયા. વામનસ્થલી જ‌ઈને, જરા સાજાતાજા બની, પછી મોટી ફોજ લ‌ઈ એ ક્ષત્રી વીર પોતાના ઉગારનાર યુવાન ઊગા વાળા ઉપર ચડ્યા, અને બાબરિયાવાડના ચિત્રાસર ગામની પાસે કુરુક્ષેત્રના રક્ત રેલાવીને ભાણેજનો વધ કર્યો.