પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્થાપના કયાંય નથી. આપણી કેડ્ય જેટલી ઊંચી મૂર્તિ છે : રંગે કાળી : મોઢું વરાહનું : મોંમાં દાતરડી છે : દાતરડી માથે પ્રથમીનો પિંડો છે : ચતુર્ભુજ સ્વરૂપ છે. મોઢા સિવાયની આખી કાયા માનવરૂપની છે. અતારે ત્યાંથી પાણી વળી ગયાં છે એટલે મછવો પોગી નહિ શકે, નીકર જઈ આવત આપણે.”

પ્રભુના વરાહ-અવતારની, આખા ભારતવર્ષ ખાતે કેવળ ગુજરાતમાં જ પ્રતિષ્ઠા છે. સોરઠમાં ફકત આંહીં એક અપરિચિત કિનારે કયાંથી? ના, કિનારો તો અપરિચિત નથી. આખાય આર્યાવર્તમાંથી અસલના કાળમાં આંહીં ઊતરતાં યાત્રિકોનો છેક દ્વારિકા સુધીનો યાત્રાપથ આ કિનારે કિનારે જ ચાલતો હતો. તે મહામાર્ગની ઉપર જ આ વરાહરૂપનું ધામ પડ્યું છે. આ પ્રદેશને અપરિચિત બનાવી મુકનાર તો પેલા પરભાર્યા દોડતા આગગાડીના ડબ્બા જ છે. આજે આર્યાવર્તના યાત્રિકો સૌરાષ્ટ્રનાં માત્ર બે ત્રણ તીર્થો જ જોઈને ચાલ્યાં જાય છે. પોણોસો વર્ષ પૂર્વે તો એને આખી જ સોરઠનું દર્શન થતું. કિનારા ઉપર ટંકાયેલા મોતી-શાં બંદરો અને કિનારાથી પાંચ-પાંચ કોસની અંદર પડેલા શૈવ, બૌદ્ધ તેમજ વૈષ્ણવી તીર્થસ્થાનો, પહાડો, ઝાડીઓ ને ઝરા, તમામને અવલોકવાની જુક્તિદાર એ કેડી હતી. સમગ્રતાની દૃષ્ટિ એમાં ખૂબ સચવાયેલી હતી.

પણ આ વરાહ-અવતારની એક સ્થાપના અહીં કયાંથી? આખા ભારતવર્ષમાં એકનું એક વામન-અવતારનું મંદિર પણ સૌરાષ્ટ્રનાં વણથળી (વામનસ્થલી) ગામે કેમ? આ 'સુરાષ્ટ્રને' ઈતિહાસે કેમ આટલો બધો મહિમા ચડાવ્યો છે? આ દેશની તવારીખ કેટલા યુગોની જૂની સમજવી? ચાંચના પેલા રાવણ-ઝાડ રૂખડાને વૉટસન સાહેબે ત્રણ હજાર વર્ષોનો જૂનો કહ્યો છે! ઈતિહાસ્કાર કેપ્ટન બેલ સાચું જ લખે છે કે સંસ્કૃતિઓની ચડતી-પડતીનાં જે જે મોજાં હિંદને છંટાયા, તે તે તમામ આ 'સુરાષ્ટ્ર'ને કિનારે પણ અફળાયાં હતાં.

“ ઠીક, સામતભાઈ, આપણે તો આપણી વાતો ચલાવો. મોટી વાતો ભલે ઈતિહાસવેત્તાઓ ચર્ચતા.”

પણ સામતભાઈ કંઈએ પાણીનો નળ થોડો હતો કે ચકલી ઉઘાડીએ એટલે અંદરથી ધાર થાય? એ તો હતો માનવી. એ કહે કે, “ભાઈ, તમે એકાદ ભજન લલકારો ત્યાં જાફરાબાદની ખાડીમાં પોગી જાયેં. પ્રભુનું એકાદ પદ થાવા દ્યો.”

સામતભાઈને ખબર નહોતી કે પ્રભુભક્તિને અને પંડિતાઈને ઘણું અંતર હોય છે. ભક્તિના ભાવ ઝીલે એવી પોલી છાતી નો'ય. પણ ભજનોની અંદરેય એકલા વૈરાગ્યનાં જ ક્યાં રોદણાં છે? માનવી વચ્ચેના ઉચ્ચ અનુરાગની વાણી જેસલ-તોરલનાં પદોમાં છલોછલ પડી છે. એમાંથી મેં સામતભાઈને એક-બે સંભળાવી દીધાં.

“સામતભાઈ, કચ્છનો કાળઝાળ લુંટારો જેસલ જાડેજો જ્યારે સોરઠની કાઠીયાણી સતી તોળલને ઘેર ગળતી રાતે ખાતર પાડવા ગયો છે તે વેળાની આ વાણી છે.”