પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

“રંગ ભાઈ, થાવા દ્યો.” સામતને કોઠે દીવા થયા.

એ જી જેસલ! ગળતી એ માઝમ રાત;
એ...જાડેજા હો.. ગળતી એ માઝમ રાત:
લાલ રે લુંઘીની વાળેલ
કાળી રે કામળની ભીડેલ ગાતરી હો જી!
એ જી જેસલ! ખડગ ખતરીસો લીધો હાથ.
ખાતર દીધાં રે હરિને ઓરડે હો જી!
એ જી જેસલ! તોળી રે ઘોડી ને તરવાર,
એ... જાડેજા હો!.. તોળી રે ઘોડી ને તરવાર ,
ત્રીજી રે તોળલદે સતીની લોબડી હો જી!

“ આ રીતે જેસલ લૂંટારો ગળતી માઝમ રાતે જ્યારે કાળા રંગની લુંગી પહેરીને તલવાર અને હાથમાં ગણેશિયો લઈને પ્રભુભક્ત તોળલ સતીના પતિ સંસતિયાને ઘેર ત્રણ ચીજની ચોરી કરવા જાત છે : શી ત્રણ ચીજ? સતી તોળલ, ઘોડી ને તલવાર : પણ ત્યાં પોતે છતો થઈ જાય છે : પછી એને તારવા માટે તોળલ સતી સંસતિયા સ્વામીની રજા લઈને જ્યારે જેસલની જોડે ચાલી નીકળે છે, સામતભાઈ, તે ટાણે બેઉ જણનાં હ્રદાં કેવા એકાકાર બની જાય છે? શું કહે છે તોળલ સતી? કહે છે કે હે જેસલ પીર!

એ જી જેસલ! તમે હીરો ને અમે લાલ,
જાડેજા હો!... તમે હીરો ને અમે લાલ,
એકી એ દોરામાં દોનું પ્રોવિયાં હો જી!

વળી

તમે રે ચંપો ને અમે કેળ્ય,
જાડેજા હો,...તમે રે ચંપો ને અમે કેળ્ય,
એકી એ ક્યારામાં દોનું રોપિયાં હો જી!

અને,

તમે રે પાણી ને અમે પાળ્ય,
જાડેજા હો!... તમે રે પાણી ને અમે પાળ્ય,
એકી એ આરામાં દોનું ઝીલતાં હો જી!

એમ,

બોલ્યાં રે તોળાંદે સતી નાર,
જાડેજા હો!...બોલ્યાં રે તોળાંદે સતી નાર,
સતીએ ગાયો રે હરિનો ઝૂલણો હો જી! “

“વાહ વાહ! સુકાને બેઠેલ સામત ખારવાએ અને ઘૂઘા પગીએ માથાં ડોલાવ્યાં : "પ્રભુના નામની ભજનવાણી ભારી મીઠી લાગે છે. બીજાં ગીત ગમતાં નથી.”