પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાત પડી ગઈ. અંધકારમાં મશાલો પેટાવીને દરિયો તપાસ્યો પણ માવો ને જેસો હાથ ન આવ્યા. પછી તો -


માવા, તારી માએ લીધાં જંતર તૂંબડાં;
માવા, તારી બેને લીધો ભગવો ભેખ રે;
માવો ને જેસો નહિ મળે.

આમ વાતાવરણમાં કરુણતા વધુ ને વધુ ઘૂંટાતી જ ગઈ. પીઠ ફેરવીને બેઠેલી એ સ્ત્રીઓનાં મોં પર ભાવ નહોતા કળાતા. પણ સૂનકાર પથરાયો હતો. ગીતના ઉદ્‌ગારો પણ સ્વયમેવ શોકાકુલ નીકળતા હતા (ભલે એમાં વૈવિધ્ય નહોતું) અને શિષ્ટ કે દુષ્ટ એવા કોઈ પણ બનાવટી ભેદની રેખા વિનાનો શુદ્ધ સંસ્કાર આ બહેનોના કંઠમાંથી ટપકતો હતો :


સાયબા, દેશ આવોની! ઘણાં થૈ ગિયાં રે!
તારા ચોકમાં ઢળાવું બાજઠિયાં રે,
તારાં ચોળીને નવરાવું શરીર;
કાગળ લખો પ્યારીના રે!

મારે નૈ રે પાંખું ઊડી કેમ આવું રે,
તારાં ભૂલાં રે પડી ગ્યાં ભવન;
કાગળ લખો પ્યારીના રે!

કોઈ ત્રુટેલ નાવનાં વેરણછેરણ પાટિયાં જેવાં ખંડિત આવાં ગીતો ખંડિત છતાં પણ ગાનારીઓની અંતરતમ ઊર્મિઓની ઊંચી કક્ષા સૂચવતાં હતાં. અને પછી તો -

<poem>

તારી સીસીમાં ભરિયલ તેલ,

તેલ સિયા કામનાં રે!

તેલનો નાખનારો પરદેશ,

તેલ સિયા કામનાં રે.

તારી સીસીમાં ભરિયલ અંતર,

અંતર નથી કામનાં રે;

અંતરનો છાંટનારો પરદેશ,

અંતર નથી કામનાં રે!

તારી છાબમાં ભરિયેલ ફૂલ રે,

સેજડિયેં સુકાઈ ગિયાં રે!

સેજનો પોઢનારો પરદેશ,

સેજલડી સૂની પડી રે.