પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાલ્ય અતારે અંઘોળ્યું ને કરતાં માણા રાજ !
આજ અતારે ત્રાંબાકૂંડિયું સૂની મોરી રાધાનાર !
     ઓહો ગોરી ! મરઘાનેણી ! - દારૂડો૦

એ રીતે ભોજનિયાં, મુખવાસિયાં ને પોઢણિયાં ગવાયાં. ગઈ કાલ્યનું મિલનમુખ અને આજની શૂન્યતા, બન્ને લાગણીઓ ઘૂંટાતી હતી. દારૂએ વાળેલ નખોદના સૂર પણ નીકળતા હતા :

15


અરધાનો સીસો આણ્યો છે,
ને મધરો દારૂ મારો છે.
ઈ ને લાણે લાણે પાયો છે
ને મધરો દારૂ મારો છે.
મારા પગ કેરી કાંબિયું છે. - ને મધરો૦
ઈ દારૂડામાં ડૂલિયું છે. - ને મધરો૦
મારી કેડ્ય કેરો ઘાઘરો છે. - ને મધરો૦
ઈ દારૂડામાં ડૂલ્યો છે. - ને મધરો૦

એમ દારૂ પાછળ આખા અંગ ઉપરનાં ઘરાણાં-લૂગડાં ફના થયાનું ગાયું, અને થોડા વર્ષો પર એક રાત્રિએ માલણ નદીના જળપ્રલયમાં મહુવાની હોનારત થઈ હતી તેની પણ નવી રચના સંભળાવી :

16


એવી વે'તી ગોઝારણ આવી રે,
નીંદરા શીની આવે!
આવી ભાદ્રોડને ઝાંપે ભરાણી રે.
નીંદરા શીની આવે!
ઓલ્યા ભાટિયાનાં બકાલાં તણાણાં રે. - નીંદરા૦
ઓલ્યા ધોતા ધોબીડા તણાણાં રે. - નીંદરા૦
ઈનાં છોકરાં ચીસું નાખે રે. - નીંદરા૦
આવી ખારને દરવાજે ભરાણી રે. - નીંદરા૦
ઓલ્યા [૧]ભુલાભાઈનો ઘાણો તણાણો રે. - નીંદરા૦
ઈના ડબા તળાવમાં બૂડ્યા રે. - નીંદરા૦
ઓલ્યા [૨]ખરકનાં ખોરડાં તણાણાં રે. - નીંદરા૦
એનાં છોકરાં હાયું નાખે રે. - નીંદરા૦
આવી કતપરને ખાળે ભરાણી રે. - નીંદરા૦
ઓલ્યા [૩]ગુલાભાઈનાં વાણો તણાણાં રે. - નીંદરા૦
ઈનો માલ તે [૪]વામી નાખ્યો રે. - નીંદરા૦
ઈનો માલ તે [૫]સોંથે લાગ્યો રે. - નીંદરા૦

  1. વેપારીનું નામ
  2. ખરક જાતના ખેડૂતો
  3. વેપારીનું નામ
  4. વહાણમાંથી કાઢી નાખ્યો
  5. તણાઈને કિનારે નીકળી ગયો