પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

13
મા !

સાગરના ભવ્ય સૌંદર્ય ભાખતી કવિતાઓ થોડીઘણી વાંચી છે : થોડીએક લખી પણ છે. પરંતુ જેના જોધાર દીકરા અને ધણીઓ પેટ ખાતર એ કાળને ખોળે પોતાનાં પિંજર સોંપીને એક દિન અચાનક તળિયે જઇ બેઠા છે, તેવી આ માતાઓ અને પત્નીઓનાં અસહાય, રૂંધાયેલાં આંસુને દીઠા પછી એ કાવ્ય-લહરીઓ સરી પડે છે; ઓસરી જાય છે. એ -

જ્લધિ-જલ દલ ઉપર દામિની દમકતી યામિની વ્યોમસર માંહીં સરતી

જેવી કાન્તના 'સાગર-શશી' કેફચકચૂર કલ્પનાઓ : દિલમાંથી ઊતરી જાય છે. એ -

સાગર, સખે, મુજ કાનમાં એવું કંઈ તો ગા! જીવવું મીઠું લાગે મને, એવું કંઈ તો ગા!

એવાં ન્હાનાલાલ કવિનાં ગરવાં સાગર-સંબોધનોનો નશો, ઝલકતી ઉપમાઓથી ભરપૂર એ દેશબંધુનું 'સાગર-સંગીત' અને

માલા ગૂંથી ગૂંથી લાવે સાગરરાણો, ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે : ધરણીને હૈયે પે'રાવે સાગરરાણો ફૂંલડાં ગૂંથી ગૂંથી લાવે.

એવાં મારાંય થોડાંક નખરાળ રૂપકો અત્યારે કેવળ કલ્પના-ખેલ-શાં ભાસે છે. ધરતી પર સલામત પગ ઠેરવીને ઊભેલા સુખી સાહિત્યકારોએ જ સાગરના સુનીલ રંગોને, ગગન-ગેલતા જલ-તરંગોને, લાખ-લાખ શાર્દૂલો-શાં ઘૂઘવતાં ભરતી-ઓટોને કે ચંદ્ર આલિંગવા ઊછળતી મસ્ત લહરીઓને કંઈ કંઈ લાડીલી ગાથાઓમાં ઉતારી રમાડેલ છે.પણ સાચું જીવન-કાવ્ય એમાં નથી સંભળાતું. સાચા સ્વરો તો ઝીલે છે એ શાયર, કે જેણે જગતનાં કરોડો ખલાસી-બાલકોની ફફડતી જનેતાને હૈયે કાન માંડ્યા હશે.

'ધ મધર હુ હેથ એ ચાઈલડ એટ સી': જેનું બાળક દરિયા ખેડી રહ્યું છે એવી કોઈ મા : (જેનું બાળ દરિયા ખેડી રહ્યું છે એવી કોઇ મા :)એ નામના અંગ્રેજ કવયિત્રી એલિઝા કૂકના કાવ્યનો ભાવાર્થ આવો છે :