નીકળે છે, અને એક દુકાને જુવાન વહુ-દીકરીઓનું જૂથ બેઠેલું જોઈ પરનારી સામે ન જોવાય એ ભાવે એ બાજુએ પોતાના મોં આડે ઢાલ ઢાંકી દે છે. નાગમદેએ કચ્છમાંથી આવતાં આવતાં માર્ગે અનેક ઠેકાણે તેમ જ આંહીં નેસડામાં આ નાગ વાળા વિશે મીઠી મીઠી વાતો સાંભળી હતી. જોવાની ઇચ્છા ઝાઝા દિવસની હતી. આજ મીટ માંડીને નિહાળવા રહી ત્યાં પેલું પોતે રેડતી હતી તે તાવણનું ઘી ઠામમાં પડવાને બદલે ભોંય ઉપર ઢોળાયું. પલકમાં પ્રેમ પ્રગટ્યો. ફરી વાર તળાવકાંઠે મળ્યાં. નાગનું અંતર પણ અર્પણ થયું. યાદ ન રહ્યું કે એક રજપૂત છે ને બીજું આહીર છે. એક ગામધણી છે ને બીજી ગરીબ માલધારીની દીકરી છેઃ બેઉનાં નોખનોખે ઠેકાણે સગપણેય થઈ ચૂક્યાં છે. બેમાંથી એકેયનાં માબાપ કબૂલે જ કેમ ? ઊલટું, આ તો અનર્થ થશે એમ સમજી નાગમદેના બાપે ત્યાંથી ઉચાળા ઉપાડ્યા. શ્રીધારનો નેસ એક દિવસ પ્રભાતે સૂમસામ પડ્યો. નાગ આવીને એ ખંડિયેરમાં ભટકતો હતો. મળ્યા વગર કે ખબર પણ કહાવ્યા વગર જે ચાલી ગઈ છે, તેને સંભારતો હતો. એવે ટાણે ભમતાં ભમતાં ત્યાં એક પગભાંગલો ખોડો પાડો બેઠેલો દીઠો. પાડાની હોડે ચિઠ્ઠી બાંધી હતી. લખેલું કે ‘નાગ ! હું લાણે દિવસે આવીને તને સરોવર-પાળ્યે શંકરના દેવળમાં મળીશ. મારા બાપે તે દિવસે મારાં લગ્ન કરવાનું ઠરાવ્યું છે, પણ હું તો તારી થઈ ચૂકી છું'. માવતરે તજેલો જુવાન નાગ વાળો રાજરિદ્ધિ અને રજપૂતાણી સાથેના ઘરસંસારની લાલચ છોડી નાગમદેની વાટ જોતો દેવળમાં બેઠો. બહુ બેઠો. વદાડ પ્રમાણે પહાડ-કન્યા હાજર થઈ નહીં. હવે એ ક્યાંથી આવે ? નહીં આવે. બાપે પરાણે પરણાવી દીધી હશે. મારે હવે જીવીને શો સ્વાદ કાઢવો છે ? પોતે પેટમાં કટાર નાખીને દેવળમાં જ આત્મહત્યા કરી. પગથી માથા સુધી ફાળિયું ઓઢી લીધેલું. શબ પડ્યું રહ્યું. માવતરનાં પંજામાંથી છૂટતાં નાગમદેને થોડું મોડું થયું. પણ એ વેગ કરતી આવી પહોંચી. રાત હતી. મંદિરનાં બારણાં અંદરથી બંધ હતાં. બંધ કરીને જ નાગ મૂઓ હતો. નાગમદે માને છે કે હજુ નાગ આવ્યો નથી. પછી અંદર નજર કરતાં નાગને પિછોડી ઓઢીને સૂતેલો દીઠો. સમજી કે ઢોંગ કરે છે. કદાચ ફરી બેઠો થશે ! ઘણાંઘણાં મેણાં ને વિનવણાં કર્યાં. પછી લાગ્યું કે ભરનીંદરમાં પડ્યો છે, જગાડ્યો જાગતો નથી. પ્રભાતે લોહીનાં પાટોડાં સૂઝ્યાં. નાગમદે પણ પોતાની ખાતર પ્રાણ છોડનારની સોડ્સમાં જ સદાને માટે સૂતી. સરોવરડા ગામની નજીક સવિયાણા શહેરના, વડલા હેઠની વાવના, તળાવના ને શિવાલયના અવશેષો, તેમ જ શ્રીધાર (સરધાર)ની ટેકરીઓ મેં જોઈ છે. સ્થાનિક લોકો આ બધાં સ્થળોને વાર્તાનાં સ્થળો તરીકે ઘટાવે છે. 518
લોકગીત સંચય