પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જોહુકમી, ન્યાતજાતના ભેદની દીવાલો, રૂઢિની આડખીલીઓ, તમામની સામે કાં તો પ્રથમથી જ ઉઘાડો બળવો, ને કાં અંદરખાનેથી ધગધગતી આહ ઠલવતો ધરતીકંપ, ગા હો તેટલી ખામોશ ને આખરે એ મૂંગી સબૂરી ખૂટી ગયે કુળલાજનાં કહેવાતાં બંધનો ભેદી, જે સાચું પોતાનું હોય તેની સાથે બાથ ભીડીને જીવનની સમાપ્તિ એ છે આ વાર્તાઓનો ઝોક. પહાડી જનોની અંગારભરી પ્રેમસૃષ્ટિ. પ્રથમથી જ લેતા આવો. મૂળ રાઢિયાની બરડાઈ પુત્રી સોનલ, નથી માબાપને પૂછતી, નથી ઘરબાર કે કુળ-આબરૂ જોતી, હું તો એને જ વડું, જે ચતુરસુજાણ મારી સમસ્યાઓ પૂરી કરે; ભલે એ રંક હો કે રાજબીજ : સમસ્યાનો ભેદુ મળ્યો, પણ દગો નીવડ્યો. કોઈકની મહેનતે કોઈક મને પરણવા માગતો હતો! દુહા પારખે હલામણ, અને સોન જાશે શું શિયાને ? અંગાર લાગો એ દગાની રમત રમનાર ઘૂમલીના રાજા શિયાજીના સૂંડીભર્યા શણગારમાં! મને શું એ ગમાર ઘરેણાં-લૂગડાંની લાલચુ લેખે છે? ના, ના. સૂંડીભર્યો શણગાર, શિયાનો શોભે નહીં હલામણ ભરથાર, શિયો અમારો સાસરો. અને શિયા, તને હું પરણું, તે કરતાં તો તને કાળો સાપ ન કરડે ! વહાલા હલામણ, આંહીંથી તારો વડીલ તને દેશવટો દિયે છે, રાજવારસો આંચકી લ્યે છે. તોય ફિકર નહીં તને વરવા આવેલી સોન પાછી નહીં જાય; હાલો હલામણ, મારા બરડા દેશમાં; હું મારા મોરાણા ગામે માંડવો નાખીશ. ત્યાં જુગતે કંસાર જમીને ગળામાં વરમાળ પહેરશું. પંડ પીઠિયાળાં ક૨શું. પણ હલામણ તો પોતાની વેદનાને હૈયામાં સંઘરીને વડીલની આજ્ઞા શિર પર ચડાવીને ચૂપચાપ દેશવટે ચાલી નીકળ્યો. એ કાવ્યરસિક વીર માર્ગે વિલાપની સુંદર, કલ્પનામય કવિતાઓ વેરતો ગયો. હતો તો ઘણોયે વી૨ન૨; એના પ્રતાપે તો ડુંગ૨માંથી વાંસની એક કાતળીયે કોઈથી કપાતી નહીં. એવો જ ટેકીલો એ પ્રેમી હતો. સોનવિજોગે સુંવાળી સેજાં નથી સૂતો; સાથરે જ પથારી કરી, એક સોન ઉપર સિંધની સોળસેં સુમરીઓ એણે ઘોળી કરી, છતાં વડીલની મરજાદ લોપવાની છાતી નહોતી. સાચી બળવાખોર તો સોનલદે નીકળી પડી હલામણને શોધવા. ક્યાં ક્યાં સુધી ભટકી ! છેક હાબા ડુંગર સુધી, પણ થોડુંક મોડું થઈ ગયું. હાબે ડુંગરે અખાત્રીજનો મેળો હતો. એ છે હીંચકા ખાવાનું લોક-પર્વ. રસાત્મા હલામણ પણ મસ્તી-ભરપૂર બની આભે ફંગોળા નાખતો નાખતો પટકાયો. સોન પહોંચે તે પૂર્વે થોડી ઘડીઓ ૫૨ જ મૂઓ. એના શબ પાસેનો સોનનો ઉદ્ગાર દુહામાં અનોખી જ કાવ્યછટાથી અંકિત થયો છેઃ હાબા ડુંગર હેઠ, હલામણ હીંચોળ્યો નહીં, (નીકર) આવતો ઊંડળ લેત, જતને કરીને જેવો !

' સોન–હલામણની વાત : પોતાની બાંધેલ સમસ્યા જે છોડે તેને સોન પરણવા માગતી હતી. સિયાનગરનો રાજવી શિયાજી જેઠવો સોન ૫૨ મોહિત હતો, પણ અબુધ હતો. સોનની સમસ્યા છોડી આપતો એનો રસિકચતુર ભત્રીજો હલામણ. 398

લોકગીત સંચય

લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ