આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અયોધ્યાને અંકે અગણિત નૃપાલો થઈ ગયા, પ્રજાને પાળીને સમય સહ સ્વર્ગે વહી ગયા; પરંતુ જાણે છે જગ-જન હરિશ્ચન્દ્ર નૃપને, અને પૂજે પ્રેમે રધુપતિ તણાં પુણ્ય પદને.
કર્યા તે છાયાથી અમર અવનીમાં ઉભયને. ગુણે કીધા કોટિ અનુકરણ અર્થે પ્રકટ તે; કવે લીલા તારી પ્રથમકવિ રામાયણ વિષે, અને વ્યાસે ગાયા તુજ ગુણ મહાભારત વિષે.
કુયોગેથી કૃષ્ણા અહહ ! પરણી પાંચ પતિને, પરંતુ તેં પોષી લઈ સતત અંકે, કર વિષે; નહિ તેથી એની જગત કદી હાંસી કરી શકે, તને દેખી સંગે મનુજગણનાં મસ્તક નમે.
તને સેવી દેવી ! અસુર પણ પામે અમરતા, તને સેવી પામે પુનિત હૃદયો પૂર્ણ પ્રભુતા; મહા મોંધાં દેતી સકળ ગુણકારી ફળ સદા, વિભુની વાડીની અતિ લલિત તું દિવ્ય લતિકા.