આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રતિ પળ વર્ષતી ઉર થકી અનલાર્ચિ અરે ! શિર પર સંસૃતિ ખડી દીસે બલિકાજ ખરે ! ગહન ગુહા સમું વદન ઘોર વિકાસી રહી, કુલિશ-કૃપાણ–શી ચપળ જીભ ચલાવી રહી.
નિરખી શકાય ના અતિ ભયંકર દૃશ્ય ઘડી, દૃઢતર બંધથી જરી જવાય ન દૂર ખસી; કંઈ ઉર કેામળાં ધૃતિ ત્યજી ભયભીત રડે, પણ ધમસાણમાં ધૃતિપંથે નવ શબ્દ પડે.
કદી શ્રવણે પડે, પણ ધરે નહિ કોઈ દયા, રૂધિરથી રાચતાં સદૃય સ્વાન્ત ન હોય જરા; વિવિધ વિઘાતનાં ચિર પ્રસંગ-નિષેવણથી, કઠિન બની, ગયા પ્રણયને શુચિ પંથ ત્યજી.
સરલ સ્વભાવનાં અમલ અંતરને અડકી, પ્રણયભર્યાં વૃથા વચન વાર હજાર વદી, મધુર મુખે હસો. છળથી છેતરી, મુગ્ધ કરી, શરણ દઈ હણો અરર ! નિત્ય નૃશંસ બની !
હજુ પણ સંભ્રમે ચકિત શું બનીને નિરખે, નહિ નહિ હું હઠું, મુખ તણો બલિ આવી બન્યો! નહિ કશી પ્રાર્થના કુટિલ માનસ પાસ કરૂં. અફળ જવા અરે ! હૃદયથી નહિ લેશ રડું