આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ને રામાએ લલિત રવથી સંગીતારંભ કીધો, ફેંકી દૃષ્ટિ મનુજગણુને સંભ્રમે જોઈ લીધો.
"શ્રોતામાંથી શિર સમય આ કોઈનું કંપશે જો, "ખડ્ગાઘાતે ધડ ઉપરથી તુત જુદું થશે તો;" એવી આજ્ઞા અવનીપતિની, મંત્રીએ સંભળાવી, ઉભા રાખ્યા સ્થળ સકળમાં ઘાતકો અસ્ત્ર આપી.
( વસંતતિલકા )
સંગીતનો પ્રણયપૂર્ણ પ્રવાહ ચાલ્યો, ને રેલવા રસિક ચિત્ત અનેક લાગ્યોઃ થંભી ગયું જગત કેવળ શાંતિ સેવી, લીધા શું યોગબલથી જન પ્રાણ ખેંચી ?
( મન્દાક્રાન્તા )
ધીમે ધીમે ક્રમ પકડતું ગાઢ સંગીત જામ્યું, એ આવેશે કંઈક ઉરનું ભાન ભૂલાવી દીધું; આવ્યો આવ્યો સમય 'લય' નો તાલ લેતો તરંગે, ધૂણી ઉઠ્યાં શિર ઉછળતાં પાંચ કે સાત સંગે.
કીધા ઉભા નૃપ નિકટમાં એમને હસ્ત ઝાલી, ને સંબોધી ચકિત નૃપને મંત્રી બેલ્યો વિચારી;