લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
<poem>

આકાશછત્ર ધરતા દૃઢ દંડ જેવો, જીમૃતને ગમનમાર્ગ વિરામ દેતો; સ્વર્ગીય ગાન શુણવા ધરી કાન ઉભો, ત્યાં રમ્ય રૈવત ગિરિ રસથી ભરેલે.

વજ્રિ તણા રણ વિષે રિપુને વિદારી, સંત્રાસ સદ્ય સુરસુંદરીનો શમાવી; જેની ગુહા સમરનો શ્રમ ટાળવાને, સેવી સુશાંત દિન કે મુચુકુન્દ ભૂપે.

ઉચ્ચાશયો સુગતના ભવિકે ભરેલા, કર્તવ્યનાં કવન દિવ્ય રસે રસેલાં; કારૂણ્યસૂત્ર શુચિ જ્યાં સહજ સ્વભાવે, અદ્યાપિ લેખ મગધેશ્વરનો બતાવે.

સ્વચ્છંદ જયાં વન વિષે વનરાજ ખેલે, યોગીશ્વરો સુદૃઢ શુદ્ધ સમાધિ સેવે; દિવ્યૌષધિ રસભરી દિનરાત ડોલે, સ્વચ્છાંબુપૂર્ણ ગિરિનિર્ઝર્ર ભૂમિ રેલે.

જ્યાં વ્યાધ્રને મદભરી મહિષી હઠાવે, તેજી તુરંગમ ગૃહાંગણને દીપાવે; જ્યાં વલ્લભીપુર સમાં નગરો અનેરાં, લોભાવતાં જગતને વિભવે વધેલાં.