આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જ્યાં દિવ્ય કૈંક જીનમંદિર પૃષ્ઠ ધારી, સિદ્ધાદ્રિ દિગ્ગજ સમો વિલસે છટાથી; ન્હાના અનેક અચલો પ્રહરી સરીખા, ઉભા દીસે અહીં તહીં જનમાર્ગ જોતા.
જ્યાં આદિ કાવ્યરસપોષક ગુર્જરીનો, ને પ્રેમભક્તિરસપૂરિત સ્નેહભીનો; નાચ્યો નૃસિંહ નિજ વિગ્રહભાન ભૂલી, રેડી ગયો હૃદય સંસૃતિબન્ધ તોડી.
સ્નેહે ભર્યાં સુમનસૌરભ શોધનારી, ને દિવ્ય ગાન સુરગુંફિત ગુંજનારી; પામી સ્થિરત્વ પ્રણયામૃતપાનથી જ્યાં, મેવાડની મધુકરી ભવમુક્ત મીરાં.
સ્વાધ્યાયમાં અભિરૂચિ જનની જગાડી, ઘેરી સુષુપ્તિ કંઈ માનસની મટાડી; આપ્યું અપૂર્વ નવ ચેતન આર્ય ચિત્તે, જેના દયાસુખસરસ્વતી દિવ્ય પુત્રે.
જ્યાં જન્મ ધારણ કરી દલપતરામે, આપ્યો અમૂલ્ય ઉપદેશ સુકાવ્ય વાટે; ધીરૂં સમુદ્ધરણ સંસૃતિનું બતાવ્યું, ને સભ્ય, શાંત, સમયેાચિત ગાન ગાયું.