આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જે દેહલી પર જરા પદ મૂકવાથી, ઇદ્રિયમાત્ર નિજ મંદિર જાય બેસી; ને ખીલતા હૃદય–પંકજની રસીલી એકે રહે ન કદી પાંખડી જ્યાં અધુરી.
વિશ્વાંબરે વિહરતા વ્યવસાયસેવી, પ્રાણી-પર્તંગ તણી જ્યાં દૃઢ બાંધી દોરી; જ્યાં દંભ સંસૃતિ તણા હઠી દૂર જાય, જ્યાં માનરોગ થકી માનવ મુક્ત થાય.
જ્યાં પ્રેમનો પ્રથમ પાઠ મનુષ્ય પામે, આત્મીયભાવ ઉર જે સ્થળમાંથી જામે: જ્યાંથી વહે જગત રેલતી સ્નેહગંગા, ને જયાં થકી હૃદયનાં સહુ દ્વાર ખુલ્યાં.
જયાં રંક જીવ પણ પૂર્ણ પ્રભુત્વ પામે, ને ભૂપતિત્વ ભદુર્લભ સર્વ સેવે; જ્યાં અંધ પ્રાણી પણ થાય સહસ્ત્રચક્ષુ, જ્યાં દિવ્ય દર્શન સદૈવ સ્વતંત્રતાનું.
આઘાત સંસતિ તણા શતધા સહીને, ને કલેશના વિકટ વહનિ વિષે વસીને; ભેદાઈ, શુષ્ક થઈ ને સળગી ગયેલું, જ્યાં પૂર્ણ પક્ષવિત માનસ થાય પાછું.