આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રતિનિધિ પણ ભાસ્કરનો ભલે, તમ યથાબલ એ હરવા મથે; તરવરે નભમાં કંઇ તારલા, ભયવિહીન નિરંકુશ નાચતા.
અબુધ અર્ભકની પણ એ ક્રિયા, સહન અંતરથી કરશું સદા; અહીં તહીં ઉડતા બહુ આગિયા. સમય પામી ભલે ક્ષણ ખેલતા.
પણ ધરોધર દેહ દઝાડતા, તિમિરને હણવા ઉર ઇચ્છતા; મુખથી કેવળ કાજળ ઓકતા, સદન શ્યામ કરી સુખ પામતા.
અમિત દીપક આ પ્રકટી પડયા, સહન થાય ન એ ઉરથી અહા ! સ્વબલ અંતરથી સમજ્યા વિના, સમરમાં ધસવા કટિ બાંધતા !
તિમિરબાળક પાછળ કૈં પડ્યાં; પળપળે પરિહાસ કરી રહ્યાં, નિરખી લજ્જિત અંતરથી થતા, પ્રકટતા વદને વધુ રક્તતા;