પૃષ્ઠ:Strotasvini.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૨ ) <poem>

ધેનુ

(મન્દાક્રાન્તા )

વૃત્તિ ચોટે નહિ વિપિનમાં વત્સ કેરા વિયોગે. લીલા દુર્વાંકુર પણ નહિ રમ્ય લાગે લગારે; મીઠું મોંઘું ગિરિઝરણનું ન રૂચે શીત વારિ, શાંતિ દેતી સધન વડની છાયા લાગે ન સારી.

ઉંચી દૃષ્ટિ કરી ગગનને સૂર્યને જોઈ રે'તી, સંધ્યા કેરૂં મુખ નિરખવા પશ્ચિમે દૃષ્ટિ દેતી; ક્યારે જોતી સજલ નયને ગ્રામ કેરી દિશામાં, ને નિ:શ્વાસે હૃદય ભરતી દીન જેવી દશામાં.

દૂરેથી કો, અવર ચરતા વત્સની શબ્દ આવે, વ્યાપારો સૌ ત્યજી ઉલટથી કારમી કાન માંડે; ને રોમાંચે, ઉર-ઉમળકે, ભવ્ય વાત્સલ્યભાવે, હુંકારન્તી પ્રતિવચન કૈં આ૫તી સાદ પાડે.

સંધ્યાકાળે સ્વર વિલસતો ગોપની વાંસળીનો, ને પક્ષીનો કલવર ઉઠે સાન્ધ્ય સંગીત ગાતો; ત્યાં તો હર્ષે ધણ સકળનો નિત્યનો સંગ છોડી, આશાવેશે નિજ ઘર ભણી બ્હાવરી જાય દોડી.