સ્નેહાલાપ વિષે સમગ્ર જગનાં સંકષ્ટ સ્હેજે શમ્યાં, ભૂલી ભાન શરીરનું ઉભય એ આનંદરાસે રમ્યાં;' એ આનંદપળો તણો ઉમળકો જે ચિત્ત ચોંટી રહ્યો, તે એના સુખની શચીપતિ સમા ના કેમ ઈચ્છા કરે !
ફાટેલાં અતિ જીર્ણ વસ્ત્ર પર ના જ્યાં લેશ દૃષ્ટિ પડે, જ્યાં ભીતિપ્રદ હાડપિંજર તણી પદ્મા પ્રતિષ્ઠા કરે; ભલે ભિક્ષુક ભિક્ષુકત્વ ઉરથી ને ભૂપ ભૂપત્વને સૂકા તાંદુલમાં સુધા શત થકી જ્યાં સ્વાદ ઉંચો વસે.
જ્યાં આતિથ્ય તણુ સમગ્ર નિયમો હીનત્વ પામી હઠે, ને બન્ને ઉઘડી ઉરે પ્રણયથી પ્રેરાઈ ભેટી પડે; ને સાયુજ્યસરે નિમગ્ન વીસરે દેહાનુસન્ધાનને, ત્યાં દુઃખો જગનાં જરાય હૃદયે શું સ્થાન પામી શકે!
એ પ્રેમી-ઉરના બધા વિભવની કાં હોય ના એકતા ! ને એના ગૃહના જડ્યા કનકથી કાં ના બને કાંગરા ! એની ઉચ્ચ અટાલિકા ગગનને ના કેમ ચૂમી રહે ! ને એનાં ગૃહકાર્ય વંદ્ય વિબુધો કાં આવીને ના કરે ?
જે કારીગર ભિન્ન ભિન્ન ઉરને એકત્વ આપી શકે, જેની સંધિ સહસ્ત્ર વજ્રબળથી ના દૂર કયારે બને; તે એવાં મણિમંદિરો નિમિષમાં ના કેમ નિર્મી શકે ? ને વૈચિત્ર્ય વિધાતૃવિશ્વક્રમથી શું ના બતાવી શકે ! ૩૭૬