આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બાહ્ય સ્વરૂપ જગનું અવલોકનારી, ને વ્યર્થ મેાહ ઉરમાં ઉપજાવનારી, સત્કાવ્યના ઉમળકા અટકાવનારી એની મનોજ્ઞ છવિ સંતત છેદનારી;
વૃત્તિ અનન્ય ઉરની વિનિવારનારી, નિષ્કામ સ્નેહરસસાગર શોષનારી, ભ્રાંતિ અસંખ્ય પ્રકટાવી ભમાવનારી, દૃષ્ટિ તને નવ ગમી જરીએ ઠગારી !
ને પૂર્ણ શાંતિ હૃદયે પ્રકટાવનારૂં, અદ્વૈતવર્ષણ વડે જગ રેલનારૂં; દુર્વાસના સતત દૂર રખાવનારૂં, લાગ્યું તને તિમિરમડળ તેથી સારૂં.
જ્યાં રમ્ય કે નહિ અરમ્ય કશું જણાય, ને એક ભાવ ઉરમાં વિલસે સદાય; જ્યાં વિશ્વનાં વિતથ નર્તન ચિત્ત ભૂલે, આડંબરો છળભર્યા નહિ લેશ ફાવે.
જ્યાં પાપના નવ મળે કદીએ પ્રસંગો, આનંદને ઉછળતે અકૂપાર ઉંડો; ત્યાં સાંપડી પ્રિય ! તને સુરસેવ્ય સૃષ્ટિ, કોટિ દિવાકર તણી દ્યુતિથી ભરેલી.