પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
બુદ્ધિનો વિકાસ.


શંકાશીલતા છે એમ છેવટે તેને જણાયું. કૉન્ટના ગ્રંથોમાં તેને કાંઈક અવલંબન મળ્યું. જનસેવા, માયાળુતાના વિચારોને ટેકો મળ્યો અને આ અસર તેના વિચારમાં જીવનપર્યંત રહી. પાશ્ચાત્ય તત્વજ્ઞાનની અનેક શાખાઓ તે હવે ફરીથી તપાસવા લાગ્યો. હીગલ, શોપન હોર અને મિલ વાંચવા લાગ્યો. પારમાર્થિક સત્યનું ભાન કરાવે, આત્માને ઓળખાવે, તેને અનુભવાવે, તે જ ખરું તત્ત્વજ્ઞાન છે અને આવી શક્તિઓ જેમાં નથી તે તત્ત્વજ્ઞાન નથી એમ તે માનવા લાગ્યો. પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનનો અભ્યાસ તેણે એટલે બધો કર્યો કે તેમાંથી ફકરાઓને ફકરાઓ તે મ્હોઢે બોલી જતો !

આ વખતે તે બી. એ. નો અભ્યાસ કરતો હતો. તીવ્ર બુદ્ધિ અને અલૌકિક સ્મરણશક્તિને લીધે તે એક પુસ્તક એકજવાર વાંચતો અને તે તેને યાદ થઈ જતું. આથી કરીને અભ્યાસ સિવાયની બીજી પણ ઘણી બાબતોમાં તે લક્ષ્ય આપી શકતો.

આ વખતે ફરીથી તેણે હર્બર્ટસ્પેનસરના ગ્રંથો વાંચવા માંડ્યા અને તેના તત્વજ્ઞાનની કેટલીક ખામીઓ તેણે હર્બર્ટસ્પેનસરને લખી મોકલી. હર્બર્ટસ્પેનસરે નરેન્દ્રનાં ખુબ વખાણ કર્યા અને જવાબ આપ્યો : “બીજી આવૃત્તિમાં હું તે ખામીઓ જરૂર સુધારી લઈશ.” નરેન્દ્રને આથી ઘણું જ ઉત્તેજન મળ્યું. નરેન્દ્રનો સંસ્કારી પ્રોફેસર ડબલ્યુ, ડબલ્યુ, હેસ્ટી કે જે એક મોટો વિદ્વાન હતો તે કહેવા લાગ્યો “નરેન્દ્રનાથદત્ત એક મહાન બુદ્ધિશાળી પુરૂષ છે. મેં ઘણી મુસાફરી કરી છે, પણ એના જેવો બુદ્ધિશાળી છોકરો મેં જર્મન યુનિવર્સીટિઓમાં પણ કોઈ જોયો નથી. નક્કી, તે જગતમાં પ્રખ્યાત થશે.” નરેન્દ્ર પોતે પણ હવે માનવા લાગ્યો કે ઈશ્વરે તેને મહાપુરૂષ થવાનેજ સરજેલો છે.