પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૧૩ મું – દેશની ધાર્મિક પરિસ્થિતિ.

આર્યભૂમિના ઇતિહાસના જે અભ્યાસી છે તેઓને માલુમ છે કે જ્યારે જ્યારે ધર્મનો નાશ થવાનો પ્રસંગ આવે છે ત્યારે ત્યારે હિંદમાં કોઈ સમર્થ ધાર્મિક પુરૂષ ઉદ્ભવે છે અને આર્ય પ્રજાના ધાર્મિક ખજાનાનું રક્ષણ કરી, પ્રાચીન કાલથી સ્થાપિત થયેલું તેનું ધાર્મિક જીવન વેદવિહિત માર્ગે વહેવરાવવાને મહાન પ્રયાસ કરે છે.

હિંદમાં પ્રથમ ધર્મની એટલે ધર્મનિષ્ઠ અને દુનિયાની લોભ લાલચથી મુક્ત તથા પક્ષરહિત અને ઉત્તમ આચાર વિચારવાળા ભૂદેવોનીજ સત્તા સર્વોપરી હોઇને અન્ય સર્વ કોઈ તેમનીજ ધર્માજ્ઞાને અનુસરતા હતા. પરંતુ આગળ જતાં તેમના વંશજો તેમના જેવી યોગ્યતા જાળવી ન રાખતાં, સર્વોપરિપણાને પોતાના વંશપરાના હક્ક તરીકે દર્શાવીને પોતાની સત્તાનો દુરૂપયોગ કરવા લાગવાથી પછી શ્રેષ્ઠ જ્ઞાન ચારિત્રવાળા ક્ષત્રીય રાજાઓનો યુગ પ્રવર્ત્યો. આગળ જતાં ક્ષત્રીઓના વંશજો પણ સ્વચ્છંદી થવા માંડતાં પરશુરામે તેમને સજા કરીને અંકુશમાં આણ્યા અને મહારાજા દશરથ, જનક તથા પ્રાતઃસ્મરણીય ભગવાન શ્રી રામચંદ્રજીએ ક્ષાત્રબળ, પ્રજાહિતાર્થ, રાજ્યવહીવટ અને જીવનમુક્તપણે રાજ્યધૂરા વહન કરવાના અદભૂત આદર્શ રૂપ બની વશિષ્ટ અને વિશ્વામિત્ર જેવા મહર્ષિઓના શિક્ષણ અને અંકુશનો મહિમા સ્થાપિત કર્યો. વળી પાછા કાળે કરીને બ્રાહ્મણોએ ઉતરતા ચાલી ક્ષત્રી રાજાઓની હાએ હા કરવા માંડી અને ક્ષત્રીરાજાઓ નિરંકુશપણે અધર્માચરણ કરવા માંડ્યા. આ પ્રસંગે ભગવાન પૂર્ણપુરૂષોત્તમ શ્રીકૃષ્ણે અવતાર ધારણ કરી દુષ્ટ રાજાઓનો નાશ કરી-કરાવીને આર્યપ્રજા પાછી ઉન્નતઅવસ્થામાં સ્થપાય તેમ કર્યું. અનૈક સૈકાં પર્યંત એવી સુસ્થિતિ ચાલ્યા પછી ધીમે ધીમે પાછા બ્રાહ્મણો