પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
૯૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સંબંધી અનેક વાતો કરતા, ભજનો ગાતા અને અલૌકિક આનદમાં આવી જતા. ઈશ્વરનું નામ દેતે દેતે ગુરુ અને શિષ્યો ગાતા અને નાચતા. સધળું સ્થળ ઈશ્વરના નામથી ગાજી રહેતું. પણ હજી સુધી નરેન્દ્ર એમાં ભાગ લેતો નહિ. આ શું હશે તે એ સમજી શકતો નહિ

ફરીથી એકવાર નરેન્દ્ર શ્રી રામકૃષ્ણની પાસે ગયો. તેણે એક ભજન ગાયું. શ્રી રામકૃષ્ણ ભાવાવેશમાં આવી ગયા. નરેન્દ્રની સામું તાકીને તે જોવા લાગ્યા, તે એકદમ ઉભા થયા. નરેન્દ્રનો હાથ પકડીને બાગમાં ઘણે દૂર આવેલી એક વૃક્ષોની ઘટામાં તેને લઈ ગયા, અને તેને છાને માને કહેવા લાગ્યા: “તારામાં શિવનો વાસ છે, અને મારામાં શક્તિનો વાસ છે. શિવ અને શક્તિ બને એકજ છે.” નરેન્દ્ર હસ્યો. તે કાંઈ પણ બોલ્યો નહિ. શ્રીરામકૃષ્ણનું મગજ ખશી ગયું છે એમ તેને વિચાર આવ્યો. શ્રીરામકૃષ્ણને જણાયું કે નરેન્દ્રની નાસ્તિકતા દૂર કરવાની જરૂર છે. તેઓ બંને પાછા આવ્યા, કેટલીક વખત વાતચિત ચાલી, સમય સાયંકાળનો થયો. સર્વત્ર શાંતિ વ્યાપી રહી. શ્રીરામકૃષ્ણ એકદમ ઉઠ્યા અને નરેન્દ્ર તરફ ગયા. પોતાનો જમણો હાથ તેની છાતી ઉપર મૂક્યો અને બીજો હાથ તેના ખભા ઉપર મુક્યો. નરેન્દ્ર હવે સ્થળ, શ્રી રામકૃષ્ણ અને તેમની પાસે બેઠેલા મનુષ્યો, સર્વનું ભાન ભુલવા લાગ્યો. શ્રીરામકૃષ્ણના પવિત્ર સ્પર્શથી આ જગતનું ભાન તે ભુલી ગયો અને કોઈ નવીન દશામાં આવી ગયો ! તે એકદમ બોલી ઉઠ્યો કે અરે ! આ શું થાય છે ? તમે મને આ શું કરો છો ?

આમ કહીને તે એક પ્રકારની સમાધિમાં આવી ગયો. થોડોક સમય તે સ્થિતિમાં રહ્યા પછી શ્રી રામકૃષ્ણે તેના હૃદયનો સ્પર્શ કર્યો એટલે તે શુદ્ધિમાં આવવા લાગ્યો. શુદ્ધિમાં આવ્યો ત્યારે તેના હૃદયને કાંઈક સામર્થ્ય મળ્યું હોય તેમ તેને લાગ્યું.