પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

શિષ્યોએ તેને નામ દઈને બોલાવવા માંડ્યો ત્યારે જાણે કે બહુ દૂરથી અવાજ આવતો હોય તેમ નરેન્દ્રને ભાસવા લાગ્યું અને ધીમે ધીમે તે શુદ્ધિમાં આવ્યો.

આ વખતની તેની દશા અલૌકિક હતી. તેનું હૃદય એવું તો આનંદમગ્ન હતું કે તે બોલી શક્યો નહિ. ભઠ્ઠીમાંથી તુરતના કહાડી લીધેલા લાલચોળ લોહની પેઠે તે દિવ્ય આત્મ પ્રકાશથી ભરપુર હતું. એક પ્રકારનો અલૌકિક મનોભાવ તેના ચહેરા પર વ્યાપી રહ્યો હતો. તે એકદમ ઉઠી શ્રીરામકૃષ્ણ પાસે જવા લાગ્યો. તે તેમની ઓરડીમાં પેઠો શ્રીરામકૃષ્ણ પોતાના આ મસ્ત શિષ્યની આંખો તરફ તાકીને જોઈ રહ્યા અને બોલ્યા “હવે માતાજીએ તને સઘળું બતાવ્યું છે.”

સર્વેએ એ રાત્રિ ભજન કીર્તનમાંજ ગાળી. સર્વત્ર પવિત્રતા, આનંદ અને આધ્યાત્મિક અનુભવના ભણકારા વ્યાપી રહ્યા. નરેન્દ્ર પોતાનો અનુભવ સર્વને કહેવા લાગ્યો. પછી શ્રીરામકૃષ્ણે નરેન્દ્રને ઉપદેશ કર્યો કે તેણે પોતાના દેહ તરફ બે પરવા ન બનતાં તેની યોગ્ય સંભાળ લેવી અને ખોરાક તથા સાથીઓની પસંદગી કરવામાં ઘણોજ વિવેક વાપરવો.

પ્રકરણ ૨૨ મું – પરમહંસદેવનું દેહાવસાન.

શ્રીરામકૃષ્ણનો સત્સંગ તેમજ સેવા કરવામાં નરેન્દ્ર સર્વથી વધારે ભાગ લેતો. હવે શ્રીરામકૃષ્ણનું શરીર થોડા દિવસને માટેજ હતું. સર્વ શિષ્યો અતિશય ભાવપૂર્વક તેમની સેવા કરતા હતા.

હવે એવા દિવસો આવ્યા કે શ્રીરામકૃષ્ણ વાતચિત કરતા પણ અટકી ગયા !