પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૩
પરમહંસદેવનું દેહાવસાન.


અવાચક થતાં પહેલાં શ્રીરામકૃષ્ણ સઘળા શિષ્યોને પોતાની પાસે એકઠા કર્યા, અને નરેન્દ્રને પોતાની પાસે બેસાડીને કહ્યું : “આ સંઘળાં બાળકોને હું તને સોંપું છું. તું આ સર્વમાં વધારે બુદ્ધિશાળી અને ડાહ્યો છે. તેમને પ્રીતિથી યોગ્ય માર્ગે દોરજે અને ખૂબ લોક સેવા કરજે.”

શ્રીરામકૃષ્ણ દરેક સાંજે નરેન્દ્રને પોતાની ઓરડીમાં બોલાવતા અને અનેક સાધનાઓ સંબંધી બોધ આપતા. આ વખતે બીજા કોઈ પણ શિષ્યને અંદર જવાનો અધિકાર નહોતો; કારણકે નરેન્દ્ર શ્રીરામકૃષ્ણનો વ્હાલો અને સર્વમાં ઉચ્ચ અધિકારવાળો શિષ્ય હતો. બીજાઓને તે એટલુંજ કહેતા કે નરેન્દ્ર તમને સઘળું શિખવશે.

શ્રીરામકૃષ્ણની મહાસમાધિનો દિવસ હવે છેક નજીક આવી પહોંચ્યો. તેમનું જીર્ણ શરીર જોઈને નરેન્દ્ર ઘણોજ શોકાતુર બની ગયો. શ્રીરામકૃષ્ણનો ભાવી વિયોગ તેને ઘણોજ સાલવા લાગ્યો. તેને શોકાતુર થયેલો જોઇને શ્રીરામકૃષ્ણે પોતાની પાસે બોલાવ્યો. ઓરડીનાં દ્વાર બંધ કરવામાં આવ્યાં અને નરેન્દ્રને ધ્યાન ધરવાનું ફરમાવવામાં આવ્યું. ગુરૂ શિષ્ય બંને એકલાજ હતા. નરેન્દ્રને સમાધિ પ્રાપ્ત થઈ ! તેને જ્યારે દેહનું ભાન આવ્યું ત્યારે શ્રીરામકૃષ્ણ બોલી ઉઠ્યા : “મારા નરેન્દ્ર, આ જગતમાં તારે હવે કાંઈ પણ કર્તવ્ય પ્રાપ્તવ્ય રહ્યું નથી; તારો સ્વભાવ અને પ્રારબ્ધ લોક સેવામાં જ છે. માટે પ્રકૃતિને તેના માર્ગે નિર્ભય બની રહેવા દેજે. પણ હજી કેટલોક સમય તારા અભ્યાસને અને પ્રકૃતિને પરિપક્વ થવા દેજે. તારા તન મનમાં જે ઉચ્ચતમ શક્તિઓનો સંચય છે તેનાવડે સમય આવતાં આ જગતમાં મોટાં કાર્યો તું કરીશ અને તે પછી પ્રારબ્ધ પૂર્ણ થતાં તું તારા સ્વરૂપમાં ભળી જઈશ.” નરેન્દ્ર રોઈ પડ્યો. એક બાળકની માફક તે રોયો, છેવટે મન મજબૂત કરીને ગુરૂ દેવની