પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


મારે ઘેર આવી ચ્હડ્યા. તેમને સામાન્ય સાધુઓ ધારીને મેં કંઈ પણ માન આપ્યું નહિ. બપોરે ભોજન લીધા પછી અમે બધા બેઠા હતા. તેમને અજ્ઞાની વેરાગીઓ ધારીને મેં તેમના જોડે કંઇ પણ વાતચીત કરી નહિ અને બુદ્ધધર્મના સિદ્ધાંતોનું એક અંગ્રેજી ભાષાંતર વાંચતો હું બેસી રહ્યો. થોડા વખત પછી વિવેકાનંદે મને પૂછ્યું, “તમે કયું પુસ્તક વાંચો છો ?” જવાબમાં મેં તે પુસ્તકનું નામ કહી બતાવ્યું અને તેમને પૂછ્યું “તમે અંગ્રેજી ભણ્યા છો ?” તેમણે જવાબ આપ્યો : “હા, થોડું જ.” પછી બુદ્ધધર્મ વિષે મેં વાતચિત કરવા માંડી અને તરતજ મને માલમ પડ્યું કે મારા કરતાં તે હજાર દરજ્જે વધારે ભણેલા છે ! સ્વામીજી અનેક અંગ્રેજી ગ્રંથકારોનાં વચનો માઢે ને મોઢે જ બોલવા લાગ્યા. હું તેમની વિદ્વતાથી ચકિત થઈ ગયો અને ઘણું ધ્યાન દઈને તેમના શબ્દો સાંભળવા લાગ્યો. તેમના જ્ઞાનની કસોટી કહાડવાને મેં પૂછ્યું : “હિંદુ સંન્યાસીઓ જોડે રહીને બુદ્ધે જે સાધનાઓ સાધી હતી તે શું નકામી ગઈ હતી ? ” સ્વામીજીએ જવાબ આપ્યો : “ના, તેમની એક પણ સાધના નકામી ગઈ નહોતી. બુદ્ધ થતા પહેલાં શાક્યસિંહે હિંદુ સંન્યાસીઓ જોડે રહીને જે સાધનાઓ સાધી હતી તેમના વડેજ તે મહાશક્તિઓ પ્રાપ્ત કરી રહ્યા હતા અને એ શક્તિઓવડે તે પોતાના સિદ્ધાંતોને બરાબર પ્રતિપાદન કરી રહ્યા હતા !” આ જવાબ મને ઘણોજ ડહાપણ ભરેલો લાગ્યો.”

“એક દિવસ સ્વામીજીએ મને પૂછયું : “તમે કંઈ સાધના કરો છો ?” અને અમે યેાગ ઉપર વાત કરવા લાગ્યા. આ ઉપરથી મને લાગ્યું કે સ્વામીજી કંઈ સાધારણ વ્યક્તિ નથી, કારણ કે તેમણે યોગ વિષે જે જે કહ્યું તે સઘળું સ્વામી દયાનંદ સરસ્વતીએ કહ્યા પ્રમાણેજ હતું. વળી તેમણે એ બાબતમાં બીજી અનેક નવી વાતો